Site icon Revoi.in

ગુજરાત લોકડાઉનની દિશામાં : કચ્છના માંડવી બીચ ઉપર પ્રવાસીઓ માટે પ્રતિબંધ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે અનેક શહેરો અને ગામડાંઓ સ્વયંભૂ બંધ અને સ્વૈચ્છીક લોકડાઉન રાખી રહ્યાં છે. બીજી તરફ દ્વારકા સહિતના સુપ્રસિદ્ધ મંદિરોમાં પણ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં છે. દરમિયાન કચ્છના માંડવીનો સુંદર બીચ પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ વધતા તંત્રએ બીચ પર પ્રવેશબંધી લગાવી છે. કાળઝાળ ગરમીમાં માંડવી બીચ પર ફરવા આવતા લોકોની સંખ્યા વધતા નિર્ણય લેવાયો છે. હાઈકોર્ટે પણ ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને ગંભીર નોંધ લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ વણસતા લોકડાઉનને લઈને અટકળો વહેતી થઈ છે. બીજી તરફ સંક્રમણને અટકાવા માટે એક પછી એક ગામો અને શહેરો સ્વયંભૂ લોકડાઉન જૂનાગઢમાં વિસાવદરમાં આજથી 30મી સુધી સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વેપારીઓ અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખશે. જામનગરના ફલ્લા ગામમાં આજથી સ્વૈચ્છીક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ફલ્લા ગામમાં એક સપ્તાહ સુધી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત મહેસાણામાં ઐઠોર ગણપતિ મંદિરનો પરંપરાગત મેળો રદ્દ કરાયો છે. પાટણનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વરાણા મંદિર આજથી બંધ રહેશે. દ્વારકામાં જગતમંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ હવે સ્વૈચ્છીક રીતે અનેક ગામ અને શહેરો લોકડાઉન કરી રહ્યાં છે. બીજી તરફ સરકાર પણ સંક્રમણ અટકાવવા માટે આકરા નિયંત્રણો લાદવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળે છે.