Site icon Revoi.in

કાર્બન ફુટપ્રિન્ટ ઘડાટવાની દિશામાં બનાસકાંઠાની બનાસ ડેરીએ દુનિયાને બતાવી નવી રાહ

Social Share

સમગ્ર દેશ આજે સર્વાંગીણ વિકાસ માટે પ્રયાસરત છે. ભારત પણ પર્યાવરણની જાળવણી માટેનાં પ્રયાસો જેવા કે પરંપરાગત વપરાતા ઇંધણ જેવા કે પેટ્રોલ, ડીઝલ કેરોસીન વગેરેનો ઉપયોગ ઘટાડી સૌર ઊર્જા, પવન ઊર્જા, CNG કે  ઇલેક્ટ્રિકથી ચાલતા  વાહનો,  ગોબર ગેસ  વગેરેના ઉપયોગ પર ભાર આપે છે. વિશ્વના અનેક  દેશો  તેમના દેશની માંગને પહોચી વળવા  પેટ્રોલીયમ  આયાત કરે છે.  ભારતે પણ 80 ટકા પેટ્રોલીયમ આયાત કરવું પડે છે. તો વળી ફોસિલ ફ્યુઅલ એવા પેટ્રોલ, ડીઝલ કે કેરોસીનથી પ્રદુષણની  એક ગંભીર સમસ્યા ઉભી થઇ છે.  તો ડીઝલથી ચાલતા વાહનો અવાજનું પ્રદુષણ પણ ફેલાવે છે. કાર્બન ફેલાવે છે અને  તેની સીધી અસર માનવ અને પશુપક્ષીઓના આરોગ્ય પર પડે છે. ફેફસાંના રોગ, આંખોમાં બળતરા, સહિતના રોગોનું પ્રમાણ વધે છે અને તેનાથી દેશની લેબર ઉત્પાદકતા પર સીધી અસર પડે છે. આ તમામ મુદ્દાના ઉકેલ માટે સરકારની યોજનાઓ અને સહકારની ભાવના સાથે આગળ વધવું જરૂરી છે. અનેક સંસ્થાઓ કે કંપનીઓના કોર્પોરેટ સોશિયલ  રિસ્પોન્સીબીલીટી વિભાગ પણ તે માટે જરૂરી પ્રયાસ હાથ ધરે છે.  Sustainable Development Goals એટલે કે ટકાઉ વિકાસ ધ્યેય પર ફોકસ કરે છે અને   તેના જ ઉકેલ માટે સરકાર અને વિવિધ સંસ્થા  હવે સોલાર,  પવનઉર્જા, થકી શુદ્ધ અને ટકાઉ વિકાસ માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે ધુમાડા ઓકતા ડીઝલ કે પેટ્રોલથી ચાલતા વાહનોનું સ્થાન CNG કે ઇલેક્ટ્રિક વાહનોએ લીધું છે. સીએનજી અને પેટ્રોલથી ચાલતી બાઈક પણ બજારમાં આવી ગઈ છે. ગ્રીન નંબર પ્લેટ ધરાવતા વાહનોના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ રહી છે. દેશના નાગરિકો ઊર્જા મુદ્દે આત્મનિર્ભર બને તે હેતુથી સોલાર રૂફ ટોપ  થકી વીજળી પેદા કરવાની યોજના પણ અમલમાં છે કે જેથી પ્રદૂષણરહિત,  શુદ્ધ અને અનેક વર્ષો સુધી તેનો લાભ મળે તેવી ટકાઉ ઊર્જા પ્રાપ્ત થાય. આ પ્રયાસો થકી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા પગલાં લેવાઈ રહ્યા  છે. ત્યારે આવો જ એક પ્રયાસ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં કરવામાં  આવ્યો છે. તેને સમજીએ એ પહેલા બનાસકાંઠાની ભૌગોલિક સ્થિતિ અને ત્યાના રોજગારના સાધનો સમજવા ખુબ જરૂરી છે.

ગુજરાતની  ઉત્તર-પુર્વે આવેલો  રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો એટલે બનાસકાંઠા. આ જિલ્લો પાકિસ્તાનની સરહદ પણ સ્પર્શે છે.  અરવ્લ્લીની ગિરિમાળાની ખીણમાંથી પસાર થતી બનાસ નદીના નામ પરથી આ જિલ્લાનું  નામ રાખવામાં આવેલુ છે. જિલ્લાનું વડુમથક પાલનપુર છે. જિલ્લાની પૂર્વ દિશામાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવેલું છે કે જ્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ માનાં દરબારમાં શીશ ઝુકાવે છે. તો પશ્ચિમ દિશામાં કચ્છનું રણ જે આજે વિશ્વની ઓળખ બની ચુક્યું છે. બનાસકાંઠા  પ્રદેશની ગણના સુકા પ્રદેશ તરીકે થાય છે. ઉનાળામાં પીવાના પાણીના વિકટ પ્રશ્નો પણ અહી ભૂતકાળમાં થયેલા છે. ખેતી નહીવત હતી. પશુપાલકોની સ્થિતિ એવી કફોડી હતી કે મોટાભાગના માલધારીઓ ઉનાળો આવતા જ ગાય, ભેંસ, ઘેંટા-બકરા ઊંટ વગેરે માલઢોર લઈને બીજા જિલ્લામાં સ્થળાંતર કરતા અને જૂન માસમાં ચોમાસું બેસે ત્યારે પાછા આવતા.

ખેતી પણ પહેલાના સમયમાં પરંપરાગત  રીતે થતી હતી. જોકે સમયની તાતી જરૂરીયાતને ધ્યાનમાં રાખી અહીના ખેડૂતોએ ખેતીની પધ્ધતિ બદલી. આધુનિક ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ કરતા થયા. ખેતીમાં ટપક સિંચાઈ પધ્ધતિ અને સ્પ્રીન્ક્લર એટલે કે ફુવારા પધ્ધતિનો ઉપયોગ કરતા થયા. પાણીની બચત અને વરસાદી પાણીનો જળસંગ્રહ થાય તે માટે નક્કર પ્રયાસો હાથ ધર્યા. કુવા રિચાર્જ કરવા,  ચેકડેમ બનાવવા, નહેરોની નિયમિત સફાઈ વગેરે પર ધ્યાન આપવામાં આવ્યું. સ્વચ્છતા, સફાઈ, શિક્ષણ, પોષણયુક્ત આહાર પર ભાર મુકવામાં આવ્યો, મહિલાઓ બચત કરી આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે બચતમંડળ કે સખીમંડળોની રચના કરવામાં આવી. ભાઈઓની સાથેસાથે બહેનોમાં પણ આત્મવિશ્વાસ છલકાયો.  પરંપરાગત પાક લેવાને બદલે બજારની માંગ અનુસાર  જીરું, ઇસબગુલ ,  વરીયાળી, અજમો  જેવા મસાલાપાક, એરંડા, તલ મગફળી  જેવા તેલીબીયા પાક તથા દાડમ, ટેટી, તડબુચ  જેવા ફળફળાદી  અને બટાટા જેવા રોકડિયા પાક, જુવાર બાજરી મકાઈ જેવા મિલેટ પાકો પર ભાર આપવામાં આવ્યો. કૃષિ સંબંધિત તકનીક અને તાલીમ માટે આત્મા સંસ્થા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો તથા દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીનો સહયોગ મેળવ્યો. સરકાર અને સહકાર થકી  જિલ્લાને પ્રગતિનો નવો આકાર  આપવામાં આવ્યો. આજે આ જિલ્લાએ નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે.  ગુજરાતમાં પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે બનાસકાંઠા અવ્વલ આવે છે. કૃષિમાં ખેડૂતોની આવકમાં માતબર વૃદ્ધિ થઇ છે. વડાપ્રધાનનો ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ પૂરો કરવા આજે આખો જિલ્લો અથાગ પ્રયાસ કરી રહ્યો છે અને તેના ફળ પણ ચાખી રહ્યો છે.  એટલું જ નહિ, એક સમયે દૂધક્રાંતિનું  નામ પડતા  ખેડા અને આણંદ યાદ આવે , આજે એ સ્થાન બનાસકાંઠાએ લીધું છે.

બનાસકાંઠાનાં લાખો  ખેડૂતો અને પશુપાલન તથા  સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે મૂળ વાત પર આવીએ. એશિયાની સૌથી મોટી સહકારી ડેરી એટલે  બનાસ ડેરી. અહી  દૈનિક 85 લાખ લીટર કરતા પણ વધુ દૂધનું ઉત્પાદન  થાય છે. અહી  પશુપાલક ભાઈ-બહેનોના સર્વાંગીણ વિકાસ માટે બનાસ ડેરી તત્પર છે. અમુલ તથા બનાસ બ્રાંડથી તેના દૂધ અને અન્ય ઉત્પાદનોનું વેચાણ થાય છે. અમુલ બ્રાંડે નહિ માત્ર ભારતમાં પરંતુ વિશ્વ આખામાં નામના મેળવી છે. તો બનાસ છાસ, બનાસ મધ, બનાસ મગફળીનું તેલ અને બનાસ ઘી પણ બજારમાં ઉપલબ્ધ છે. બનાસ ડેરીએ  ગુજરાત કો-ઓપરેટીવ  મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું એક ડીવીઝન છે. બનાસ ડેરીનો મુખ્ય પ્લાન્ટ પાલનપુરમાં આવેલો છે. આ ઉપરાંત ડીસામાં છે તો અન્ય એક પ્લાન્ટ પાટણ જિલ્લાના રાધનપુરમાં સ્થિત  છે.

તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં સાણાદર ગામ સ્થિત બનાસ ડેરી ખાતે “ગોબર સે ગોવર્ધન” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે પાંચમાં બાયોગેસ CNG પ્લાન્ટ માટે કરાર  થયા હતા. આ પ્રંસગે બનાસડેરી દ્વારા બનાસ “ભૂમિ અમૃત” જૈવિક ખાતરનો બ્રાંડ લોગો તથા બનાસ બાયોગેસ પ્લાન્ટની લીકવીડ પ્રોડક્ટ “પાવર પ્લસ” લોન્ચ કરવામાં આવ્યા હતા.. આ કાર્યક્રમ  બનાસડેરીના ચેરમેન, એન.ડી.ડી.બીના અધિકારી રાજીવજી અને  જાપાનની સુઝુકી  મોટર કંપનીના  ચેરમેનની ઉપસ્થિતમાં  યોજાયો હતો.

જે અંતર્ગત સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન ઇન્ડિયા, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ  અને બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેક્નોલોજી તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાશિ યુનિવસિટી ઓફ ટેક્નોલોજીના વેજ્ઞાનિકોની મદદથી પ્લાન્ટની શ્રેષ્ઠતમ ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. પ્લાન્ટની સ્થાપના થરાદ વિસ્તારમાં કરવા માટે MoU કરવામાં આવ્યા હતા. આ કરાર પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રૂરલ મોબાલિટી પ્રોજેક્ટ થકી રોજગારી ઉત્પન્ન કરવા માટે સુઝુકી કંપની દ્વારા લીઝ મોડલ ઉપર મારુતિ સુઝુકી  બે ગામ પસંદ કરી ગામ દીઠ 5 મારુતિ સુઝુકી ઈક્કો લિઝ્ પર આપવામાં આવશે. CNG વાહનો માટે ઇંધણ વિતરણ કરવા માટે દરેક પ્લાન્ટ પર બાયોગેસ ફીલિંગ  સ્ટેશન સ્થાપવામાં આવશે. બાયોગેસ પ્લાન્ટમાંથી જૈવિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં બાયો સીએનજી ગેસ સ્ટેશન વધારવા તથા તકનીક અને આર્થિક મદદ માટે જાપાનની સુઝુકી કંપનીએ જાપાનમાં ભારતીય ડેલિગેશનને આમંત્રણ આપી 6સપ્ટેમ્બર 2023ના રોજ જાપાન ખાતે 1 લાખ કિલો પ્રતિ દિવસ છાણની શ્રમતા ધરાવતા 4 નવા પ્લાન્ટ સ્થાપવા માટેના કરાર પર હસ્તાક્ષર  કરવામાં આવ્યા હતા. જૂન 2019 થી બનાસકાંઠાના દામાં ખાતે પાયલોટ પ્રોજેક્ટનાં ભાગ રૂપે પ્રતિ દિવસ 40 હજાર કિલોની દિવસની ક્ષમતા ધરાવતો સામુદાયિક બાયોગેસ CNG પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. આ બાયોગેસ પ્લાન્ટમાં આજુબાજુના 6 ગામના 150 પશુપાલકો પાસેથી 1 રુપિયે કિલો તાજું છાણ લેવામાં આવે છે. આ છાણમાંથી પ્રતિ દિન 500 થી 600 કિલો બાયો સીએનજી  અને 10 થી 12 ટન જૈવિક ખાતરનુ ઉત્પાદન કરવામાં આવે છે. પહેલા પશુપાલકોને માત્ર  દુધના પૈસા મળતા હતા હવે ગોબરના પણ પૈસા મળી રહ્યા છે.  આ રીતે આમ કે આમ ગુટલીઓ કે દામ મેળવી અહીના પશુપાલકો સમૃદ્ધિમાં વૃદ્ધિ  કરી રહ્યા છે  જે જિલ્લા માટે  તો ગૌરવની વાત છે જ પણ સાથેસાથે બીજા જિલ્લાઓના પશુપાલકોને પણ આવું કરવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.  બનાસ ડેરી આગામી સમયમાં  જીલ્લામાં વધુ  પ્લાન્ટ સ્થાપવા પણ તત્પર છે. તો સુઝુકી કંપનીએ પણ તે  માટે તૈયારી  બતાવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન એક વર્ષમાં સૌથી વધુ છાણ ભરાવનાર મહિલા પશુપાલકોને ઇનામ અપાયું હતું.

આ પ્રસંગને વધાવતા સુઝુકી કંપનીના ચેરમેને  કહ્યું હતુ કે, બનાસડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે અને ભારતમાં સૌથી વધુ પશુધન છે તેનો કેવી રીતે વધુ ઉપયોગ કરી શકીએ અને તેનો ફાયદો ઉઠાવી શકીએ તે માટે તેઓ  અહીં આવ્યા, અહીં પશુઓનું ગોબર જેમતેમ પડી રહે તો  મિથાઈલ ગેસ વાતાવરણમાં જાય અને તે દૂષિત થાય તેથી આ પ્લાન્ટ દ્વારા ગોબર એકઠું કરીને તેનો ગેસ બનાવીને ગાડીમાં ઉપયોગ થઈ રહ્યો છે. આજે ભારતે લગભગ 80 ટકા ક્રુડ ઓઈલ આયાત કરવું પડે છે અને આમ બીજા દેશો પર આધાર રાખવો પડી રહ્યો છે જેથી જો ગેસનો ઉપયોગ થાય તો ભારતને ફાયદો થશે.  આપણા દેશનું પણ આ વિઝન  છે. આત્મનિર્ભર ભારત માટેના આપણા પ્રયાસો છે.  બાયોગેસ પ્લાન્ટના કારણે ખેડૂતો તેમના ખેતરમાં કુદરતી  ખાતરનો ઉપયોગ કરશે.  પ્રાકૃતિક ખેતીને વેગ મળશે. લોકોનું સ્વાસ્થ્ય સુધરશે  સાથે ખેડૂતોની આવક વધશે.  ત્યારે એક વાત તો નક્કી છે કે આવનાર સમયમાં આ બાયોગેસ પ્લાન્ટથી જિલ્લાનો અને રાજ્યનો ઘણો વિકાસ થશે. ભારત આત્મનિર્ભર બને તે માટે ભગીરથ પ્રયાસ થશે. અને વિશ્વને એક નવી દિશા મળશે.