ડીસા : બનાસકાંઠા એ બટાકા ઉત્પાદનનું હબ ગણાય છે. ડીસા વિસ્તારમાં તો બટાકાનું એટલું બધુ ઉત્પાદન થાય છે, કે બટાકાના મોટા ગંજ ખડકાય છે. દર વર્ષે બટાકાનું લાકો ટન ઉત્પાદન થતું હોવા છતાં નથી તો ખેડુતોને પુરતા ભાવ મળતા કે નથી ગ્રાહકોને સસ્તા બટાકા મળતા. આથી ખેડુતોને પુરતા ભાવ મળી રહે અને ગ્રાહકોને પણ સસ્તા બટાકા મળી રહે તે માટે બનાસ ડેરી મહત્વનું યોગદાન આપશે.
સામાન્ય રીતે શાકભાજીના રાજા ગણાતા બટાકા લોકોના રસોડાની રોજિંદી શાકભાજી છે. ગરીબ કે તવંગર દરેકના ભોજનમાં બટાકાનો સમાવિષ્ટ થતો હોય છે. લગભગ દરેક શાકભાજીમાં બટાકા નાંખવામા આવે છે, ત્યારે હવે બનાસ ડેરીના માધ્યમથી લોકો ખરીદી શકશે. બનાસ ડેરી હવે લોકોને ઘર આંગણે બટાકા પહોંચાડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસ ડેરી સાથે જોડાયેલી દૂધ મંડળી પર બટાકા વેચવાનો નિર્ણય કરાયો છે. હવે 16 રૂપિયા કિલોના ભાવથી ઉત્તમ ક્વોલિટીના બટાકા વેચાણમાં મૂકવાનો બનાસ ડેરીએ નિર્ણય લીધો છે. તેથી હવે ગામની દૂધ મંડળીમાંથી પણ બટાકા ખરીદી શકાશે. બનાસ ડેરી દ્વારા પાંચ કિલો ગ્રામની બેગના પેકિંગમાં દૂધ મંડળીઓને બટાકા મોકલવામાં આવશે. જ્યાંથી દૂધ ઉત્પાદકો અને સામાન્ય પ્રજા પણ બટાકા ખરીદી શકશે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન થાય છે. તે જોતા ઉત્પાદકથી ઉત્પાદક સુધી બટાકાને પુનઃ પહોંચાડવામાં બનાસ ડેરીનું મહત્વનું યોગદાન રહેશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે બનાસ ડેરી પ્રયત્નશીલ છે.