Site icon Revoi.in

બનાસકાંઠાઃ મુડેઠા ગામમાં 750 વર્ષથી જુની અશ્વદોડ યોજાઈ

Social Share

ડીસાઃ ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામમાં લગભગ 761 વર્ષથી અશ્વદોડ યોજાય છે અને આ અશ્વદોડને નિહાળવા માટે દુર દુરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજુ કરે છે. ભારતમાં ક્ષત્રીય દરબાર સમાજના લોકો ઈતિહાસ ખુબ જ ઉજળો જોવા મળે છે. પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે.

મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચુંદડી લઇ પેપળુ જતા અને ત્યાં રાત રોકી ભાઈ-બીજના દિવસે પરત ફરતા. પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે અને ભાઈ બીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હ્ડીલા ગાય છે. અને ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરે છે..લગભગ 300 થી વધુ અશ્વો અને ઊંટ આ અશ્વ દોડમાં ભાગ લે છે. મુડેઠા ગામમાં છેલ્લા સાડા સાતસો વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દુર દુરથી હજારોની સંખ્યામાં જન મેદની ઉમટી પડે છે.

ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈ બીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહિ પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ મુડેઠા ગમે ઉમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડીયારું ઉભરાયું હોય તે માહોલ જોવા મળે છે.. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ સાડા સાતસો વર્ષ જુનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનાર ને ખુબ જ માનથી નવાજવામાં આવે છે.