અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ડીસા-પાલનપુર હાઈવે પર અમદાવાદના જ્વેલર્સ ગ્રુપની કારને આંતરીને 3 લૂંટારુઓએ 10 કિલો સોનાની લૂંટની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસે લૂંટારુઓને ઝડપી લેવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નાકાબંધી કરીને વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. લૂંટની આ ઘટનામાં જાણ ભેદુની સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં આવેલી જાણીતા જ્વેલર્સ જૂથના 3 કર્મચારીઓ કારમાં સોનુ લઈને કારમાં બનાસકાંઠાના ડીસા-પાલનપુર હાઈવે પર પાલનપુર નજીક ચડોતર પાસેથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે અન્ય કારમાં આવેલા બુકાની ધારીઓએ તેમની કાર અટકાવી હતી. તેમજ હથિયાર બતાવીને કર્મચારીઓ પાસેથી 3 થેલા પૈકી બે થેલા લઈને ગણતરીની મિનિટોમાં જ ફરાર થઈ ગયા હતા. આ બંને થેલામાં લગભગ 10 કિલો સોનુ હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુર ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, અમદાવાદની જવેલર્સ પેઢીના કર્મીઓ સોનું આપવા અમદાવાદથી ડીસા આવ્યા હતા અને પરત અમદાવાદ જઈ રહ્યાં હતા તે વખતે અન્ય કારમાં આવેલા 3 બુકાની ધારીઓએ કાર રોકાવી તેમાં બેસી ગયા હતા, અને ગઢ નજીક સોના ભરેલા 3 થેલા પૈકી 2 થેલા અને કર્મચારીઓના મોબાઈલ લઈ ફરાર થઈ ગયા છે. બીજી બાજુ પોલીસે આ અંગે ગુનો નોંધીને કર્મચારીઓની પણ ઉલટ તપાસ કરી હતી. તેમજ લુંટારુઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી. દરમિયાન પોલીસે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખીને પાંચ શખ્સોને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે.