અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાનું કરમાવત તળાવ ભરવા માટેની લાંબા સમયની માંગણી અંગેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓને જરૂરી નિર્દેશ કર્યાં હતા. આમ આગામી દિવસોમાં કરમાવત તળાવ પાણીથી ભરવામાં આવે તેવી આશા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. દરમિયાન મુખ્યમંત્રીએ બનાસકાંઠાના વડગામ નજીકના આ કરમાવત તળાવમાં પાણી ભરવા માટેના ઉપાયો ચકાસવા અધિકારીઓને સૂચના આપી હતી. બનાસકાંઠાનું આ કરમાવત તળાવ ભરવા અંગે જિલ્લાના ગ્રામીણ પ્રજાજનોની રજૂઆત સંદર્ભમાં સ્થાનિક આગેવાનોએ મુખ્યમંત્રી અને વરિષ્ઠ મંત્રીઓ તથા અધિકારીઓ સાથે વિશદ ચર્ચા-પરામર્શ કરી હતી. મુખ્યમંત્રીએ આ તળાવ ભરવા અંગે શું કાર્યયોજના અને આયોજન થઇ શકે તે જોવા માટે જળસંપત્તિ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના મંત્રીશ્રીઓ અને સચિવોને સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે પાણીની સમસ્યા ઉભી થઈ છે. જો કે, સરકાર દ્વારા પાણીની સમસ્યાના નિરાકરણ અંગે જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે.