Site icon Revoi.in

બનાસકાંઠા જિલ્લા વિકાસ સંકલન માટે દિશા સમિતિની બેઠક મળી

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં  જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં”દિશા”બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે જરૂરી છે. આ દિશા બેઠકમાં મનરેગા, નલ સે જલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ મળવાપાત્ર લાભાર્થી કોઈ લાભથી વંચિત ના રહે તથા લાભાર્થીઓને સમયસર નાણાં ચૂકવાય તે અંગે સૂચનો કર્યા હતા.

પાલનપુરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં મળેલી જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠકમાં સાંસદ ગનીબેન ઠાકોરે સુચનો કર્યા હતા. સાથે સ્વચ્છ ભારત મિશન, દિન દયાળ અંત્યોદય યોજના, સ્વ સહાય જૂથોને બેંક દ્વારા ધિરાણ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પશુઓનું રસીકરણ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના સહિતની યોજનાઓ બાબતે પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. જિલ્લાના થરાદ વાવ અને સુઈગામ તાલુકાના વિસ્તારોમાં જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ ના વધે તે માટેના પગલા અને ક્ષાર અટકાવતા વૃક્ષો વાવવા જિલ્લાના ખેડૂતોને પણ અનુરોધ કરાયો હતો.

દિશા બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યું હતું કે, આગામી ઓક્ટોબર મહિનામાં જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ યોજાય અને દિવ્યાંગ લોકોને સાધન સહાય વિતરણ થાય તે મુજબનું આયોજન કરાશે. રીન્યુઅલ એનર્જી અંતર્ગત લોકલ કારીગરોને ટ્રેનિંગ આપવા પણ જિલ્લા કલેકટરએ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.