Site icon Revoi.in

ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં રસીકરણ મામલે બનાસકાંઠા જિલ્લો મોખરે

Social Share

અમદાવાદઃ કોરોના મહામારીને નાથવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 18 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ 2500 જેટલા સેન્ટર ઉપર કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠા કોરોના રસીકરણ મામલે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ટોપ ઉપર છે. બનાસકાંઠામાં 45 વર્ષથી ઉપરના 98.33 ટકા નાગરિકોને રસી કવચ પુરુ પાડવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 6 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના આરોગ્ય વિભાગે કોરોના મહામારી વચ્ચે પણ જિલ્લામાં ૬ લાખથી વધુ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી રાજ્ય જ નહીં પરંતુ દેશમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અત્યાર સુધી જિલ્લામાં 607124 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જેમાં દાંતીવાડા, લાખણી, સુઈગામ, ભાભર અને દિયોદરમાં 100 ટકા રસીકરણ થયું છે. બનાસકાંઠામાં અત્યાર સુધીમાં 542 લોકોએ ખાનગી હોસ્પિટલાં કોવિડ વેક્સિન લીધી હોવાનું જાણવા મળે છે.

બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારી સમયે અમે સમગ્ર વિશ્વ પર કોરોના સામે રક્ષણ મેળવવા શું પગલાં ભરાઈ રહ્યા છે તેના પર નજર રાખતા હતા. ઇઝરાયેલ રસીકરણ દ્વારા જ કોરોના પર કાબૂ મેળવ્યો છે. જેથી અમે પણ રસીકરણ પર ભાર મુક્યો છે. જીલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના જણાવ્યા અનુસાર, 900 વેકસીનેટરની ટીમ રસીકરણ માટે બનાવવામાં આવી હતી. જે ટીમો ન માત્ર આરોગ્ય કેન્દ્ર પર પરંતુ સોસાયટી, બગીચા, સામાજીક વાડીઓ, દૂધ મંડળીઓ તેમજ ભીડ એકત્ર થાય તેવી જગ્યાઓ પર જઈ લોકોને સમજાવી રસીકરણની કામગીરી કરી છે. જેથી જીલ્લામાં 98.33 ટકા લોકોનું રસીકરણ થઈ શક્યું.