પાલનપુરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ બનાસકાંઠા પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. પોલીસ દ્વારા હાઈવે પર ચેકપોસ્ટ ઊભી કરીને સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું બારીકાઈથી ચેકીંગ કરવામાં આવે છે. બનાસકાંઠા સરહદી જિલ્લો હોવાથી વધુ તકેદારી રાખવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં આવી છે. રાજસ્થાન તરફથી કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો, દારૂ કે પછી અન્ય કોઈ પદાર્થ ગુજરાતમાં ઘુસાડવામાં ન આવે તે માટે બનાસકાંઠા પોલીસે રાજસ્થાનને જોડતા જિલ્લાના 7 મુખ્ય માર્ગો અને અન્ય 23 નાના માર્ગો સહિત 30 માર્ગો ઉપર ચેકપોસ્ટ ઉભી કરીને રાજસ્થાન તરફથી આવતાં તમામ વાહનોનું ચેકીંગ કરાઈ રહ્યું છે. જોકે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા દ્વારા રાજસ્થાન-ગુજરાતને જોડતી અમીરગઢ ગુન્દ્રી થરાદ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરવાની સૂચના અપાઇ છે. શુક્રવારે ખુદ એસ પી એ અમીરગઢ બોર્ડર પર હાજર રહી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું બારીકાઈથી ચેકીંગ હાથ ધર્યું હતું.
બનાસકાંઠા પોલીસ સહિત આઇટીબીપીના જવાનો પણ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં જોડાયા હતા. રાજસ્થાનથી આવતા વાહનોના ચાલકોનું બ્રેથ એનેલાઈઝર મશીનથી દારૂ પીધેલી હાલતમાં છે કે, નહીં તેની તપાસ હાથ ધરી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઠલવાતો હોય છે. ત્યારે આ વખતે કોઈ બુટલેગરો સક્રિય થઈ ગુજરાતમાં દારૂ ન ઘુસાડે તે માટે જિલ્લા પોલીસ તમામ બોર્ડરો ઉપર સઘન ચેકિંગ હાથ ધરી રહી છે.
બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થતાં જ જિલ્લામાં ચૂંટણી આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. મતદારો શાંતિથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે રીતનું આયોજન કર્યું છે. જિલ્લામાં 40 ટકાથી વધુ દિવ્યાંગ, 80 વર્ષથી વધુની ઉમરના મતદારોને મતદાન મથક સુધી જવાની જરૂર નહીં પડે. નિયત ફોર્મ 12-ડી ભરી પોસ્ટલ બેલેટથી પણ મતદાન કરી શકાશે.