બનાસકાંઠા :રાતના 8થી સવારના 7 વાગ્યા સુધી ટ્યુશન-ક્લાસીસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ
અમદાવાદઃ ગુજરાતમાં એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું છે બીજી તરફ વાલીઓ પણ સંતાનો પાસેથી ઉંચા પરિણામની આશા રાખે છે. તેમજ સારા અભ્યાસ માટે સ્કૂલની સાથે ખાનગી ટ્યુશન-ક્લાસીસમાં બાળકોને ભણાવતા હોય છે.બીજી તરફ ટ્યુશન સંચાલકો વહેલી સવારે અથવા મોડી રાત સુધી બાળકોને અભ્યાસ કરવતા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ વહેલી સવારે અને મોડી રાતના ટ્યુશન-ક્લાસીસથી ઘરે જતા કેટલાક બાળકો વિવિધ ગુનાનો ભોગ બનતા હોય છે. આવા બનાવવોને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો છે. હવે બનાસકાંઠા જિલ્લામાં સવારે 7 વાગ્યા પહેલા અને રાતના 8 કલાક બાદ ટ્યુશન-ક્લાસિસ ચાલુ રાખાશે નહીં.
બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. અપહરણ અને હત્યાના વધતા જતાં ગુના રોકવા સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસિસ ચાલુ ન રાખવા કલેકટરે આદેશ કર્યો છે. 10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી જાહેરનામાનો અમલ કરવા જિલ્લા કલેકટરે સૂચના આપી છે. જાહેરનામાનો ભંગ કરનાર ટ્યુશન સંચાલક સામે ગુનો નોંધાશે. વિદ્યાર્થિનીઓની એકલતાનો લાભ લઈ અપહરણ તેમજ હત્યા જેવા ગુના રોકવા પ્રયાસ કરાયો છે.
બનાસકાંઠા જિલ્લાના કલેકટરના આ નિર્ણયને વાલીઓએ આવકાર્યો છે. તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં આવો જ નિયમ લાગુ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લામાં આગામી દિવસોમાં વહેલી સવારે અને મોડી રાત સુધી ટ્યુશન-ક્લાસીસ ચાલુ રાખવા મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં અનેક ગણો સુધારો કરવામાં આવ્યો છે અને બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે આગામી દિવસોમાં અનેક યોજનાઓ ઉપર હાલ કામગીરી થઈ રહી હોવાનું જાણવા મળે છે.