બનાસકાંઠાઃ ખેતીની તૈયારીમાં જોતરાયેલા ખુડૂતો સાથે બેસીને શંકર ચૌધરીએ સીડબોલ બનાવ્યાં
અમદાવાદઃ ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસુ બેસે તેવી શકયતા છે. જેથી ખેડૂતોએ અત્યારથી જ ખેતીને લઈને તૈયારીઓ શરૂ કરી છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પરંપરાગત રીતે સીડબોલ બનાવી રહ્યાં છે. આ સીડબોલને ખેડૂતો ખેતરમાં વાવેતર માટે ઉપયોગ કરશે.
બનાસકાંઠાના ભાજપના આગેવાન અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી દાંતીવાડાના ઓઢવા તાલુકાની મુલાકાતે ગયા હતા. દરમિયાન ચોમાસાને લઈને ખેતીને તૈયારીમાં જોતરાયેલા ખેડૂત અને તેમના પરિવારને મળ્યાં હતા. ખેડૂતો અને તેમના પરિવારજનો સીડબોલ બનાવતા હતા. જેથી શંકર ચૌધરી પણ તેમની પાસે બેસીને સીડબોલ બનાવવા લાગ્યાં હતા. તેમજ સ્થાનિક ખેડૂતો સાથે ચર્ચા કરી હતી.
દરમિયાન શંકર ચૌધરીએ આ યાદગાર પળને સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તેમણે સીડબોલ અને સીડબોલ બનાવતા ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યાં હતા. તેમજ પોતાના અનુભવ જણાવતા લખ્યું હતું કે, બનાસકાંઠાના આબાલવૃદ્ધ સૌની ઈચ્છા છે કે, મારું બનાસકાંઠા હરિયાળું બને, લીલુંછમ બને. સીડબોલ અભિયાન આ દિશામાં ખૂબ જ અદભૂત અને પરિણામલક્ષી પ્રયાસ છે. યુવા અને બાળકો પણ આવાં પ્રકૃતિ જતનલક્ષી પ્રયાસોમાં જોડાઈ રહ્યા છે એ સૌથી સુખદ બાબત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તા. 15મી જૂનની આસપાસ વિધિવત રીતે ચોમાસુ બેસવાની શકયતા છે. તેમજ આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની આગાહી કરાઈ છે. બીજી તરફ ચોમાસા આધારિત ખેતી કરતા ખેડૂતો પણ વરસાદની આતુરતાતી રાહ જોઈ રહ્યાં છે.