Site icon Revoi.in

બનાસકાંઠાઃ બીએસએફના નકલી આઈકાર્ડ સાથે બે ઝડપાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં ભારત-પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાંથી બીએસએફના નક્લી આઈકાર્ડ સાથે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ બનેએ નડાબેટમાં ચાલી રહેલા બોર્ડર ટુરિઝમમાં સિક્યુરિટીનું કામ મેળવા માટે નકલી કાર્ડ બનાવ્યાં હોવાનો લુલો બચાવ કર્યો હતો. જો કે, પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને હકીકત જાણવા તપાસ આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુઈગામના નડાબેટ ખાતે ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી મેળવવા માટે એક બેકાર યુવકે તે બીએસએફમાં (BSF)રાજ્ય સેવક હોવાનું નકલી આઇકાર્ડ લેટરપેડ બનાવ્યા હોવાની ફરિયાદ સુઈગામ પોલીસ મથકે નોંધાઇ હતી. દિયોદરના કૃપાલસિંહ બાબુસિંહ વાઘેલાએ નડાબેટ ખાતે ચાલી રહેલી ટુરિઝમના કામમા સિક્યુરિટીનું કામ મેળવવા ગૂગલ વેબસાઈટ પરથી કાર્ડ ડાઉનલોડ કર્યું હતું. એટલું જ નહીં મિત્ર ભરતપુરી લાલપુરી ગોસ્વામીની મદદથી લિકર કાર્ડ, કેન્ટીન સ્માર્ટ કાર્ડ અને બીએસએફ રાજ્ય સેવક તરીકેનું બનાવટી કાર્ડ બનાવ્યું હતું. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીના સહીવાળો જોઈનિંગ લેટર પણ તૈયાર કર્યો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખી સમગ્ર ઘટનાની ગંભીરતા પૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. તેમજ તેમની પૂછપરછમાં નવા ખુલાસા થવાની પણ શકયતા વ્યક્ત થઈ રહી છે.