Site icon Revoi.in

બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં 80 ટકા કરતા વધુ પાણી ભરાતા નદી વિસ્તારમાં પ્રવેશ ન કરવા સૂચના

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં આ વખતે અષાઢ મહિના દરમિયાન સારોએવો વરસાદ પડ્યો છે. ઉપરાંત રાજસ્થાનમાં પણ ભારે વરસાદને કારણે બનાસ સહિતની નદીઓ બે કાંઠે બની છે. તેમજ જિલ્લાના જળાશયોમાં પાણીની સારીએવી આવક થઈ છે. જેમાં દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 80.00 ટકાથી વધુ ભરાયેલો છે અને હાલમાં ભારે વરસાદની આગાહી સાથે ચોમાસુ  સક્રિય છે, ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને નિશ્ચિત લેવલથી વધુ સપાટીએ દાંતીવાડા ડેમ ભરાય અને પાણીની આવકમાં વધારો થાય તો દાંતીવાડા જળાશયમાંથી જરૂર પડે તો ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવાની શક્યતા રહેલી છે. આથી નદી વિસ્તારમાં પ્રવેશ ન કરવાની લોકોને અપિલ કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા જાહેરનામુ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચિત કરવામાં આવે છે કે, દાંતીવાડા ડેમના નીચેવાસમાં રહેતી જાહેર જનતાએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા જણાવાયુ છે.

સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ .આઇ.પટેલે જણાવ્યું છે કે, રાજસ્થાનમાં ભારે વરસાદને લીધે દાંતીવાડા ડેમની જળ સપાટી વધી રહી છે, હાલ ડેમ 80 ટકાથી વધુ ભરાયેલો છે. અને ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. અને ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. એટલે નદીના ભાગો તેમજ નીચાણવાળા વિસ્તારોને કાળજી લેવી જરૂરી છે.