Site icon Revoi.in

બનાસકાંઠાના નવાપુરા ગામે વીજળી પડતા બે સગી બહેનોના મોત, થરાદમાં મધરાતે વરસાદ તૂટી પડ્યો

Social Share

પાલનપુરઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠામાં કેટલાક વિસ્તારોમાં ગત રાત્રે વરસાદ પડ્યો હતો. જેમાં થરાદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી બફારા વચ્ચે મોડીરાત્રે મેધરાજાએ મહેર કરતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ સુઇગામ તાલુકાના નવાપુરામાં ગઈકાલે સાંજના સુમારે વીજળી પડતાં બે સગી બહેનોના મોત થયા હતા. બંને બહેનો ખેતરમાં ઘરની આગળ પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક વીજળી પડી હતી. બંનેના મૃતદેહ સુઇગામ રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે લઇ જવાયા હતા. સગી બહેનોના મોતથી સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.મૃતક આરતી અને ખુશી ગામની જ પ્રાથમિક શાળામાં ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતી હતી. જેમના મોતથી શાળા પરિવાર સહિત સહપાઠીઓ આઘાતમાં સરી પડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગઈકાલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સાંજના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યાં સુઇગામ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે નવાપુરા ગામે આકાશી વીજળી પડતાં બે સગી બહેનોના મોત થયા હતા.

આ અંગે સુઈગામ તાલુકાના નવાપુરાના ગ્રામજનોએ જણાવ્યું હતુ કે, ખેતરમાં રહેતા દિનેશભાઇ રણછોડભાઇ ઠાકોરની બે પુત્રી આરતી (ઉ.વ. 13) અને ખુશી (ઉ.વ. 12) ઘર આગળ પસાર થતી હતી. ત્યારે અચાનક આકાશમાંથી બંને બહેનો ઉપર વીજળી પડતાં બંને જમીન ઉપર ઢળી પડી હતી. જ્યાં પરિવારજનો તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને બંનેને 108 દ્વારા સુઇગામ અને ત્યાંથી વધુ સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ ઉપરના તબીબે બંને બહેનોને મૃત જાહેર કરી હતી. જ્યાંથી બંનેના મૃતદેહ પીએમ માટે સૂઇગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સગા સબંધીઓ ત્યાં દોડી આવ્યા હતા.