ઢાકાઃ બાંગ્લાદેશમાં સરકાર વિરોધી ઉગ્રઆંદોલન વચ્ચે વડા પ્રધાન શેખ હસીનાએ અચાનક રાજીનામું આપી દીધું અને દેશ છોડ્યો તેના એક દિવસ પછી, આંદોલનકારીઓએ કહ્યું કે તેઓ દેશની વચગાળાની સરકારના વડા તરીકે નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસને નિયુક્ત કરવા ઈચ્છે છે.
ચળવળના મુખ્ય સંયોજકોમાંથી એક નાહિદ ઇસ્લામે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે, તેમણે યુનુસ (84) સાથે વાત કરી હતી અને તે બાંગ્લાદેશને બચાવવા માટે આ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવા તૈયાર છે. નાહિદે કહ્યું, “અમે નક્કી કર્યું છે કે એક વચગાળાની સરકાર બનાવવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસ મુખ્ય સલાહકાર હશે. તેની વ્યાપક સ્વીકૃતિ છે.”
વીડિયોમાં નાહિદ સાથે અન્ય બે કોઓર્ડિનેટર પણ જોવા મળી રહ્યા છે. નાહિદે કહ્યું કે, વચગાળાની સરકારના અન્ય સભ્યોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ જાહેરાતના થોડા કલાકો પહેલા જ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને જાહેરાત કરી હતી કે સંસદ ભંગ કરીને શક્ય તેટલી વહેલી તકે વચગાળાની સરકારની રચના કરવામાં આવશે.
શહાબુદ્દીને સોમવારે મોડી રાત્રે રાષ્ટ્રને આપેલા તેમના ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે, તેમણે વડાપ્રધાન પદ પરથી શેખ હસીનાનું રાજીનામું સ્વીકારી લીધું છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જે ઘણા કેસોમાં દોષિત છે.