Site icon Revoi.in

ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત

Social Share

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી દિવસથી ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમની તાજેતારમાં જાહેરાત કરવામાં આવી હતી. હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. બોર્ડે નઝમુલ હુસૈન શાંતોને કેપ્ટન બનાવ્યો છે. બાંગ્લાદેશે આ સાથે ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટીમે ઝાકિર અલીને તક આપી છે. જ્યારે શોરફુલ ઇસ્લામને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. બાંગ્લાદેશે શાકિબ અલ હસન, લિટન દાસ અને મેહદી હસન મિરાજને પણ ટીમમાં સામેલ કર્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાશે. આ પછી સિરીઝની બીજી મેચ કાનપુરમાં રમાશે.

બાંગ્લાદેશે ટીમને ઘણી સંતુલિત રાખી છે. તેણે અનુભવી ખેલાડીઓની સાથે સાથે યુવા ખેલાડીઓને પણ તક આપી છે. બાંગ્લાદેશે તાજેતરમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર જીત નોંધાવી હતી. હવે ટીમ ભારત સામે લડવા માટે તૈયાર છે. તે ટીમ ઈન્ડિયાને ટક્કર આપી શકે છે.

બાંગ્લાદેશ ટીમમાં મહમુદુલ હસન, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ અને મોમિનુલ હકને પણ તક મળી છે. મુશ્ફિકુર રહીમ પણ ટીમનો ભાગ છે. બાંગ્લાદેશે ઝાકિર અલીને ટીમમાં સમાવેશ કર્યો છે. તેને હજુ સુધી બાંગ્લાદેશ તરફથી ટેસ્ટ રમવાની તક મળી નથી. પરંતુ ઝાકિરનો ડોમેસ્ટિક મેચોમાં સારો રેકોર્ડ છે. ઝાકિરે 49 ફર્સ્ટ ક્લાસ મેચમાં 2862 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 સદી અને 19 અડધી સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં ઝાકિરનો સર્વશ્રેષ્ઠ સ્કોર 172 રન છે.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમઃ નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહમુદુલ હસન જોય, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, નઈમ હસન, નાહીદ રાણા, હસન મહેમૂદ તસ્કીન અહેમદ, સૈયદ ખાલિદ અહેમદ, ઝેકર અલી અનિક