દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવ્યું છે. તેમજ રસીનું ઉત્પાદન વધારવા માટે આદેશ કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં બાંગ્લાદેશને કોરોનાની રસીના નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો હોવાનું જાણવા મળે છે. જેથી બાંગ્લાદેશ સરકારે નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં બાંગ્લાદેશ સરકારે હિલ્સા માછલીઓની ભારતમાં નિકાસ પણ મર્યાદિત કરી હોવાનું જાણવા મળે છે.
વિદેશ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર ભારતે બાંગ્લાદેશમાં એક કરોડથી વધુ વેક્સિન મોકલી હતી, પરંતુ દેશમાં બીજી લહેર દરમિયાન વેક્સિન ન હોવાને કારણે ભારતે હજી પણ વેક્સિનનાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેનાથી નારાજ, બાંગ્લાદેશ સરકારે ભારતીઓની મનપસંદ હિલ્સા માછલીની નિકાસ મર્યાદિત કરી હતી. જો કે, બાંગ્લાદેશે ઘણા લાંબા સમયથી હિલ્સાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ ગયા વર્ષે જમાઈ ષષ્ઠી (બંગાળનો ઉત્સવ) નિમિત્તે બાંગ્લાદેશની શેખ હસીના સરકારે 2 ટન હિલ્સા માછલીની નિકાસ માટે વિશેષ મંજૂરી આપી હતી. ભારતમાં બાંગ્લાદેશની હિસ્સા માછલીઓને ખુબ પસંદ કરવામાં આવે છે. તેમજ મોટી સંખ્યામાં આ માછલીની આયાત કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોનાને નાથવાનો એક માત્ર ઈલાજ કોરોના વેક્સિન છે. જેથી ભારતમાં હાલ રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. ભારત સરકારે પાકિસ્તાન સિવાયના પડોશી દેશોને કોરોના રસી ભેટમાં આપી હતી. જો કે, હાલ રસીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.