નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્રીપક્ષીય બેઠક મળી હતી. જેમાં સાતેક મહત્વના મુદ્દા ઉપર સહમતી થઈ હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે અમે બાંગ્લાદેશની આઝાદીની 50મી વર્ષગાંઠ, અમારા વ્યૂહાત્મક સંબંધોની સુવર્ણ જયંતિ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દીની સાથે મળીને ઉજવણી કરી હતી.” ગયા વર્ષે છઠ્ઠી ડિસેમ્બરના રોજ અમે સમગ્ર વિશ્વમાં સાથે મળીને પ્રથમ ‘ફ્રેન્ડશિપ ડે’ ઉજવ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું, વડાપ્રધાન શેખ હસીનાની મુલાકાત આપણી આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું, આજે બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું ભાગીદાર છે. બાંગ્લાદેશ અમારો મોટો વેપારી ભાગીદાર છે. અમારા ગાઢ સાંસ્કૃતિક સંબંધો પણ સતત વિકસ્યા છે. અમે આઈટી, સ્પેસ અને ન્યુક્લિયર એનર્જી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવાનો પણ નિર્ણય કર્યો છે. અમે આબોહવા પરિવર્તન અને સુંદરવન જેવા સામાન્ય વારસાને બચાવવા માટે પણ સહયોગ કરવાનું ચાલુ રાખીશું.
વડાપ્રધાને કહ્યું કે, આજે આપણે કુશિયારા નદીના પાણીની વહેંચણી અંગે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી ભારતના દક્ષિણ આસામ અને બાંગ્લાદેશના સિલ્હેટ વિસ્તારને ફાયદો થશે. એવી 54 નદીઓ છે જે ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી પસાર થાય છે અને સદીઓથી બંને દેશોના લોકોની આજીવિકા સાથે જોડાયેલી છે. આ નદીઓ, તેમના વિશેની લોકકથાઓ, લોકગીતો પણ આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાની સાક્ષી રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે અમે આતંકવાદ અને કટ્ટરવાદ સામે સહયોગ પર પણ ભાર મૂક્યો હતો. 1971ની હિંમતને જીવંત રાખવા માટે આપણે સાથે મળીને એવી શક્તિઓનો સામનો કરીએ જે આપણા પરસ્પર વિશ્વાસ પર હુમલો કરવા માંગે છે.