નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના પડોશી દેશો સહિત અન્ય દેશો સાથે સંબંધો મજબુત બન્યાં છે. પહેલો સગો પડોશી મંત્રને અનુસરતા ભારતે કોવિડ-19ના સમયગાળામાં પણ પડોશી દેશોને દવા અને વેક્સિન સહિતની મદદ કરી હતી. એટલું જ નહીં ભારતે દુનિયાના અન્ય દેશોને પણ વેક્સિન પુરી પાડી હતી. દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો થાય તે માટે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશના મુખ્ય બંદર ચિત્તાગોંગનો ઉપયોગ કરવા માટે ભારતને વિનંતી કરી હતી.
દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કરીને, ‘ઉષ્માભર્યા સ્વાગત માટે વડાપ્રધાન શેખ હસીનાનો આભાર માન્યો હતો.. બંને નેતાઓના માર્ગદર્શન હેઠળ આપણા દ્વિપક્ષીય સંબંધો મજબૂત રીતે આગળ વધી રહ્યા છે. મુલાકાત દરમિયાન વડાપ્રધાન શેખ હસીનાએ પરસ્પર લાભ માટે કનેક્ટિવિટી વધારવાનું સૂચન કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્રને ખાસ કરીને બાંગ્લાદેશના દક્ષિણપૂર્વ ચિત્તાગોંગ બંદરનો ઉપયોગ કરવામાં ફાયદો થશે. “જો કનેક્ટિવિટી વધારવામાં આવે, તો ભારતના પૂર્વોત્તર રાજ્યો જેવા કે, આસામ અને ત્રિપુરાને ચટ્ટોગ્રામના બંદર સુધી પહોંચ મળી શકે છે,” બાંગ્લાદેશના વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બંધ થયેલા બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના ક્રોસ-બોર્ડર રૂટને ફરીથી શરૂ કરવા માટે પહેલ કરવામાં આવી હતી. ભારતના વિદેશ મંત્રી જયશંકરે શેખ હસીના સાથે મુલાકાત કર્યાં બાદ બાંગ્લાદેશના વિદેશ મંત્રી સાથે પણ ચર્ચા કરી હતી. જયશંકરે કહ્યું કે, વડાપ્રધાન હસીના સાથેની વાતચીત દરમિયાન તેમને સુવિધા અનુસાર ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. “મેં તેમને કહ્યું કે અમે તેમની અનુકૂળતા મુજબ તેમની ભારત મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ,”