બાંગ્લાદેશના PM શેખ હસીનાએ સોનિયા ગાંધી અને તેમના પરિવારની મુલાકાત લીધી
નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા પડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના ગઈકાલે નરેન્દ્ર મોદીના શપથવિધી સમારોહમાં હાજરી આપ્યા બાદ આજે કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીને મળ્યાં હતા. બંને નેતાઓ વચ્ચે લંબાણપૂર્વકની બેઠક ચાલી હતી.
કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે બપોરે નવી દિલ્હીમાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને મળ્યા હતા. આ પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે પરસ્પર વિકાસ માટે વિશ્વાસ, સહયોગ અને પ્રતિબદ્ધતા પર આધારિત ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ઘણા વિષયો પર ચર્ચા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળની શપથવિધી સમારોહમાં હાજરી આપવા માટે બાંગ્લાદેશના પીએમ શેખ હસિનાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેથી તેઓ એક દિવસ પહેલા જ હવાઈ માર્ગે ઢાકાથી દિલ્હી આવ્યાં હતા. તેમજ શપથવિધી સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.