દિલ્હીઃ ભારતના અર્થતંત્રને નુકશાન પહોંચાડવા માટે કેટલાક દેશદ્રોહીઓ બનાવટી ભારતીય ચલણી નોટો બજાર ફરતી કરવાનું રેકેટ ચલાવી રહ્યાં છે. દરમિયાન પડોસી દેશ બાંગ્લાદેશના ઢાકામાંથી રૂ. 7 કરોડથી વધારેની બનાવટી ભારતીય ચલણી નોટો ઝડપાયાં ભારતીય સુરક્ષા અધિકારીઓ પણ ચોંકુ ઉઠ્યાં છે. બનાવટી ચલણી નોટો સાથે બાંગ્લાદેશ પોલીસે એક દંપતિની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આ બનાવટી નોટો પાકિસ્તાનમાં બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. ભારતીય અર્થતંત્રને તોડી પાડવાના ઈરાદે આ બનાવટી નોટો બાંગ્લાદેશ સરહદેથી ભારતમાં ઘુસાડવાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. જો કે, તે પહેલા જ બાંગ્લાદેશ પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં ત્યાંની સ્થાનિક પોલીસે 7 કરોડથી વધુના દરની નકલી ભારતીય ચલણી નોટો કબ્જે કરી છે. આ નકલી નોટો 1400 બંડલોમાં એક મકાનની પાણીની ટાંકીમાં છુપાવવામાં આવી હતી. મળેલી આ નકલી નોટો પાકિસ્તાનમાં તૈયાર કરીને, શ્રીલંકા મોકલવામાં આવી હતી અને ત્યાંથી તેને બાંગ્લાદેશ સરહદનાં રસ્તે, ભારત મોકલવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. આ બાબતે વાત કરતા ઢાંકા પોલીસનાં અધિકારીઓએ જણાવ્યુંહતું કે, આ નકલી નોટો જુદા-જુદા રસ્તે થઈને બાંગ્લાદેશ આવી પહોંચી હતી. પોલીસે નકલી નોટોનાં આ જથ્થા સાથે એક દંપતીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરાઈ છે. બાંગ્લાદેશના ઢાકામાંથી બનાવટી ભારતીય ચલણી નોટો ઝડપાતા ભારતીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. તેમજ સમગ્ર ઘટનાને લઈને બાંગ્લાદેશના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ભારતમાં આ રેકેટમાં કોણ-કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
(Photo-File)