દક્ષિણ આસામના કરીમગંજમાં શનિવારે 24 ઓગસ્ટ-2019ના રોજ પશુ તસ્કરો અને બીએસએફ વચ્ચે અથડામણ થઈ હતી. ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર થયેલી અથડામણમાં બીએસએફે એક બાંગ્લાદેશી ગોતસ્કરને ઠાર કર્યો હતો. એસપી માનવેન્દ્ર દેબ રેએ કહ્યુ છે કે આ અથડામણ ત્યારે થઈ જ્યારે 40થી વધારે બાંગ્લાદેશી ભારતની સીમામાં ઘૂસવાની કોશિશમાં હતા. અથડામણ દરમિયાન બીએસએફે પંપ-એક્શન બંદૂકો અને પેલેટનો ઉપયોગ કર્યો હતો.
મૃતકની ઓળખ સિલહટના મૌલવી બજારના વતની અબ્દુલ રઉફ તરીકે થઈ છે. જો કે પોલીસે કહ્યુ છે કે આ ઓળખ હાલ અનૌપચારીક રીતે થઈ છે. પશુ તસ્કર અબ્દુલની છાતીમાં ગોળી વાગી હતી. બાંગ્લાદેશી સીમા ગાર્ડ્સે આસામ પોલીસને અનૌપચારીક રીતે મૃતકની ઓળખ જણાવી છે. બીએસએફની અથડામણ પહેલા જ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા કે કેટલાક બાંગ્લાદેશી ગોતસ્કરો ભારતમાં ઘૂસવાની કોશિશ કરે તેવી શક્યતા છે.
બોર્ડર ફેન્સની બીજી તરફ બીએસએફની એક ટુકડી તેનાત કરી દેવામાં આવી હતી. અહીં બોર્ડર ફેન્સ અને આંતરરાષ્ટ્રીય સીમા વચ્ચે 150 મીટરનું અંતર છે. જ્યારે 40થી વધારે બાંગ્લાદેશી પશુ તસ્કરોએ ઘૂસણખોરીની કોશિશ કરી, તો બીએસએફે તેમને પડકાર્યા હતા. બાદમાં એક તસ્કરે બીએસએફ તરફ ધારદાર હથિયાર ફેંક્યું હતું.
અથડાણના થોડાક સમય બાદ જ્યારે બીએસએફ ક્ષેત્રમાં તલાશી માટે પહોંચ્યું તો એક મૃત તસ્કર જોવા મળ્યો હતો. તેની લાશ બોર્ડર ફેન્સથી 20 મીટરના અંતરે પડેલી મળી હતી. પંપ-એક્શન બંદૂકથી છોડવામાં આવેલી પેલેટ ઘણું વધારે નુકસાન પહોંચાડી શકે છે. જો તેનો ઉપયોગ નજીકના અંતરેથી કરવામાં આવે તો તે ઘાતક પણ નીવડી શકે છે.