નવી દિલ્હીઃ દેશની રાષ્ટ્રીયકૃત, સહકારી અને ખાનગી બેંકો દ્વારા કેટલાક ઉદ્યોગપતિઓને કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યાં વિના કરોડોની લોન આપવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન ભારતીય રીઝર્વ બેંકે કહ્યું છે કે, આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે બેકીંગ ક્ષેત્ર અને ખાનગી બેંકો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
રીઝર્વ બેંકે કહ્યું છે કે, તાજેતરની સમીક્ષા મુજબ બેકીંગ ક્ષેત્ર લચીલુ અને સશકત બન્યું છે તથા પર્યાપ્ત મુડી, પરિસંપત્તિની ગુણવત્તા, રોકડની ઉપલબ્ધી અને લાભની સ્થિતિના માપદંડો પર બેકીંગ ક્ષેત્ર સારી સ્થિતિમા છે. રીઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે, બેંક મોટી રકમની લેવડ – દેવડ સંબંધી દિશાનિર્દેશોનું પાલન કરી રહી છે. તમામ બેંકોએ પાંચ કરોડ રૂપિયા અને તેનાથી વધુ રકમની લેવડ-દેવડની માહિતી રીઝર્વ બેંકને આપવી પડે છે. બેકીંગ ક્ષેત્રની સ્થિરતા માટે રીઝર્વ બેંક વધુ સાવધાન હોવાનું પણ જણાવાયું છે.