Site icon Revoi.in

RTI: 5.5 વર્ષમાં 2.88 લાખ કરોડથી વધુની કરાઈ વસૂલાત, ગ્રાહકોના ખિસ્સા કાપવામાં ખાનગીથી આગળ નીકળી સરકારી બેંકો

Social Share

નાણાંકીય વર્ષ 2013-14થી અત્યાર સુધીમાં બેંકોએ બે લાખ 88 હજાર કરોડ રૂપિયાથી વધારાની મહેસૂલ વસૂલ કરી છે. ખાનગી બેંકોએ જ્યાં આ સમયગાળા દરમિયાન એક લાખ 12 હજાર 154 કરોડ રૂપિયા વસૂલ્યા છે. તો જાહેર ક્ષેત્રની બેંકોએ એક લાખ 76 હજાર 278 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે.

તમામ પ્રકારના શુલ્ક લગાવીને ગ્રાહકોના ખિસ્સા ઢીલા કરવામાં ખાનગી બેંકો કરતા સરકારી બેંકો વધુ આગળ રહી છે. માત્ર એટીએમમાંથી નાણાં કાઢવાના મામલે જ નહીં, રકમ જમા કરાવવા અને મોબાઈલ સુવિધાના નામ પર પણ ગ્રાહકો પાસેથી શુલ્ક વસૂલાઈ રહ્યા છે.

નાણાંકીય વર્ષ 2013-14થી અત્યાર સુધીમાં બેંકોએ 2.48 લાખ કરોડ રૂપિયાથી વધારેનું મહેસૂલ વસૂલ્યું છે. ખાનગી બેંકોએ આ સમયગાળા દરમિયાન 112154 કરોડ રૂપિયા વસૂલ્યા છે. જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોએ 176278 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. માહિતી અધિકાર હેઠળ મળેલી જાણકારી મુજબ, આરબીઆઈને તેમના બોર્ડ દ્વારા અનુમોદિત નીતિઓ મુજબ, વિભિન્ન પ્રકારની સેવાઓ પર સેવા પ્રભાર નક્કી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

જો કે આરબીઆઈનું કહેવું છે કે નિયમો પ્રમાણે સેવા પ્રભાર નક્કી કરતી વખતે બેંકોએ એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે પ્રભાર યોગ્ય હોય અને સરેરાશ પડતરથી વધારે પણ ન હોય. આરબીઆઈએ જવાબમાં એમ પણ કહ્યુ છે કે બેંકો ગ્રાહકોને પહેલા જ સેવા પ્રભારોની જાણકારી આપશે અને સેવા પ્રભારોમાં પરિવર્તન બાબતે પણ ગ્રાહકોને પૂર્વ સૂચના આપ્યા બાદ તેને લાગુ કરશે.

નાણાંકીય વર્ષ 2013-14થી 2017-18 અને પહેલી એપ્રિલ-2018થી 30 સપ્ટેમ્બર-2018 દરમિયાન જાહેર અને ખાનગી ક્ષેત્રોની બેંકો દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા અન્ય પરિચાલન આવક શુલ્કમાં આવકમાં કમિશન, એક્સચેન્જ અને બ્રોકરેજ પણ સામેલ છે. બેંક યૂનિયન સાથે જોડાયેલા સંજીવ મેહરોત્રાનું કહેવું છે કે નેટ બેન્કિંગથી નાણાં બાકીના પેઈજ આઠ પર મોકલવા, ચેક બુક જાહેર કરવી, મોબાઈ સુવિધા અને અન્ય ઘણાં પ્રકારની સુવિધાઓના નામ પર શુલ્ક લેવામાં આવે છે.

મેહરોત્રાએ કહ્યુ છે કે એસબીઆઈ અને બેન્ક ઓફ બરોડા ખાતામાં લઘુત્તમ બેલેન્સ ત્રણ હજારથી ઓછું રાખવા પર અને અન્ય બેન્કો એક હજાર કરતા ઓછા લઘુત્તમ બેલેન્સ પર 100 રૂપિયાથી વધારેનું શુલ્ક વસૂલે છે. તેવી જ રીતે ચેક વાપસી પર બંને પક્ષો પાસેથી સરકારી બેંક બસ્સોથી ત્રણસો રૂપિયા અને ખાનગી બેંક 550 રૂપિયા શુલ્કની વસૂલાત કરે છે.

બેંકનો ખજાનો ભરાયો

નાણાંકીય વર્ષ          સરકારી બેંક                            ખાનગી બેંક

2013-14                28,374 કરોડ રૂ.                    21,172 કરોડ રૂ.

2014-15                29,174 કરોડ રૂ.                           16091 કરોડ રૂ.

2015-16               31,143 કરોડ રૂ.                     18,244 કરોડ રૂ.

2016-17               34,927 કરોડ રૂ.                    20,133 કરોડ રૂ.

2017-18               36,219 કરોડ રૂ.                     23,409 કરોડ રૂ.

2018                  16,441 કરોડ રૂ.                     13,475 કરોડ રૂ.

(નોંધ- નાણાંકીય વર્ષ 2018ના આંકડા એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના છે. )