Site icon Revoi.in

રોડ ન બનાવાતા ભાજપ-કોંગ્રેસના નેતાઓના પ્રવેશ પ્રતિબંધના બેનર્સ લાગ્યા

Social Share

વડોદરાઃ રોડ-રસ્તા સહિતના પ્રશ્નો માટે લોકો હવે જાગૃત થઈ રહ્યા છે. અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર જ પ્રેશર ઊભુ કરીને પોતાના પ્રશ્નોને વાચા આપતા હોય છે. શહેરના લાલપુરામાં રોડ પર પેચવર્ક કરવાની અહીના સ્થાનિક લોકોએ અનેક રજુઆતો કરી છતાંયે પ્રશ્નનો ઉકેલ ન આવ્યો નથી. આથી સ્થાનિક લોકોએ નવરાત્રી મહોત્સવમાં બેનર્સ લગાવીને ભાજપ-કોંગ્રેસના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

વડોદરા શહેરના નવાયાર્ડના લાલપુરા ગામમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે. જોકે છેલ્લા એક સપ્તાહથી પેચવર્ક કરવાની અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ કામગીરી નહીં થતા સ્થાનિક લોકોએ નેતાઓના બહિષ્કારના પોસ્ટર લગાવ્યા છે. જેમાં ‘’ભાજપ અને કોંગ્રેસના નેતા, કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં’’શહેરના વોર્ડ 1માં સમાવિષ્ટ નવાયાર્ડ વિસ્તારમાં ગંદુ પાણી ઉભરાતી ડ્રેનેજ સહિતની અનેક સમસ્યાઓ છે. જે ઉકેલવા તંત્ર વામણું સાબિત થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા એક સપ્તાહથી નવાયાર્ડના લાલપુરા ગામમાં પેચવર્ક કરવાની રજૂઆતની વોર્ડ એકના અધિકારીઓ દ્વારા અવગણના કરવામાં આવી છે.

લાલપુરાના સ્થાનિક લોકોએ વોર્ડ એકની નવી કચેરીમાં જઈ રજીસ્ટરમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ સમસ્યાઓના નિકાલ નહીં કરવાની ટેવ ધરાવતા વોર્ડ એકના અધિકારીઓની વધુ એકવખત બેદરકારી છતી થઈ છે. લાલપુરામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં એક હજારથી વધુ લોકો ગરબે ઘૂમે છે. સ્થાનિક લોકોએ સ્થાનિક અને વોર્ડ કચેરીમાં પેચવર્ક કરવા માટે રજૂઆત કરી હતી. પરંતુ પેચવર્ક નહિ થતા રોષે ભરાયેલા લોકોએ નેતાઓના બહિષ્કારના બેનર લગાવ્યા છે. લાલપુરાામાં અંદરના મુખ્ય રોડ પર નવરાત્રીમાં પેચવર્ક કરાવવામાં આવે તે અંગે  નાયબ કાર્યપાલક ઈજનેરને પણ રજૂઆત કરી હતી. છતાંયે પ્રશ્ન ન ઉકેલાતા લોકોએ ભાજપ-કોંગ્રેસના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.