સૌરાષ્ટ્ર યુનિ.ના સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ માટે હ્રદયરોગીઓએ ન આવવાના બેનર લગાવાયાં
રાજકોટઃ ગુજરાતમાં કોરોના બાદ હ્રદયરોગના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં હૃદય રોગના હુમલાના વધતા કેસને ધ્યાનમાં લઈ હૃદયની તકલીફ હોય તેવા લોકોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રમતગમતની પ્રેક્ટિસ માટે આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તાજેતરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષના સ્વિમિંગ પૂલમાં એક મહિલાને સ્વિમિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તબિયત લથડતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. આ ઘટનાઓને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા યુનિવર્સિટીમાં રમતગમતની પ્રેક્ટિસમાં જે લોકોને હૃદયની તકલીફ હોય તેઓને આવવા પર પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાવવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો. હરીશ રૂપારેલિયાની સૂચનાથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની બહાર લગાવાયેલા બેનરમાં એવી સુચના આપવામાં આવી છે. કે, યુનિ.ના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતગમતની ટ્રેનિંગ માટે આવનારા વ્યક્તિને હૃદયને લગતી અથવા તો અન્ય કોઈ બીમારી હોય તો તેમણે રમત ગમતની ટ્રેનિંગ લેવી નહીં. ફિટનેસ અંગેનું સર્ટિફિકેટ જે-તે રમત ગમતના કોચને રજૂ કરવું અન્યથા જે-તે વ્યક્તિની જવાબદારી રહેશે. આ ઉપરાંત સ્વિમિંગ પૂલમાં શિખાઉ વ્યક્તિઓએ લાઈફ જેકેટ અથવા તો જરૂરી સેફ્ટી ઇક્વિપમેન્ટ સાથે સ્વિમિંગ કરવું. આ ઉપરાંત સ્વિમિંગ પૂલના કોચ હાજર ન હોય ત્યારે સ્વિમિંગ પૂલમાં પ્રવેશ કરવો નહીં અને સ્વિમિંગ પણ ન કરવું. આવા બેનરો ઈન્ડો સ્ટેડિયમમાં બેડમિન્ટન, બાસ્કેટબોલના મેદાન પર પણ મૂકવામાં આવ્યા છે.
સૂત્રેના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી હૃદય રોગથી મૃત્યુના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તરૂણોથી લઈને યુવાનો તેમજ વૃદ્ધો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. શહેરનું આરોગ્ય તંત્ર પણ આ પ્રકારના કિસ્સાઓ બાબતે તપાસ કરી રહ્યું છે. હૃદય રોગથી હુમલાના કિસ્સાઓમાં મૃત્યુ પામેલા લોકોના કેસ સ્ટડી પણ થઈ રહ્યા છે. આવા સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશો પણ એલર્ટ થયા છે અને સ્પોર્ટ્સ સંકુલની બહાર લોકોને સજાગ કરતાં બોર્ડ મૂકવામાં આવ્યા છે