ભરૂચઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કાંઠો આવેલો છે. દરિયા કિનારા નજીક તેમજ દરિયાને નદીઓનું સંગમ થતું હોય તેવા સ્થળોએ બેટ આવેલા છે. થોડા ગમા બેટ પર માનવ વસતી જોવા મળે છે. જ્યારે મોટાભાગના બેટ નિર્જન છે. રાજ્યના તમામ નિર્જન બેટ પર સલામતીના કારણોસર પ્રવેશ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ભરૂચના આલિયાબેટ સહિતના કુલ 6 બેટ ઉપર પણ બહારના વ્યકતિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આલિયાબેટ સિવાયના અન્ય બેટ ઉપર માનવ વસતી નહિવત છે ત્યારે નાપાક ઇરાદા ધરાવતાં તત્વો આ બેટનો દુરઉપયોગ ન કરે તે માટે વહીવટીતંત્ર તરફથી અન્ય લોકોના પ્રવેશ ઉપર પાબંધી ફરમાવી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા સરફુદીન બેટ, દશાંન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ, આલીયાબેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજુરી વગર કોઈ પણ અન્ય વ્યકિત પ્રવેશ કે કોઈ પણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા યોજવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલા ટાપુઓ તેમજ આલીયાબેટ ઉપર આવી રોકાણ કરે તેવી પુરતી શકયતા હોવાથી સલામતી માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભરૂચ જિલ્લામાં ભુતકાળમાં અનેક આતંકવાદી પ્રવૃતિઓ સામે આવી ચૂકી છે ત્યારે આવી વેરાન જગ્યાઓ પર તેઓ રાષ્ટ્ર વિરોધીતેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજીક પ્રવૃતિઓ કરતાં ઈસમોને મળી નિર્જન ટાપુઓ ઉપર આશ્રય મેળવી હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેવી શકયતાઓ નકારી શકાય નહીં. જિલ્લાના સરફુદીન બેટ, દશાંન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ નદીમાં ચોમાસાની સીઝન પછી પાણી ઓછું હોવાના કારણે ઉપસી આવેલાં છે. આ બેટ ઉપર કોઈ માનવ વસ્તી નથી, જયારે દરીયા કિનારાને આવેલ આલીયાબેટમાં લોકોની વસ્તી છે. જેઓ પશુપાલન તથા માછીમારીનો વ્યવસાય કરે છે. આ ટાપુ કાયમી ટાપુ છે. જે હાઈ ટાઈડ તેમજ નદીમાં પુર વખતે પણ ડુબતો નથી.