ગાંધીનગર સચિવાલયમાં કામ વિના આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ, મંત્રીઓને મળવું મુશ્કેલ બનશે
ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગણાતા ગાંધીનગરમાં આવેલા સચિવાલય કે જ્યા મંત્રીઓ બિરાજે છે. અને રાજ્યભરનો વહિવટ કરવામાં આવે છે. એટલે જિલ્લાઓ અને તાલુકાઓમાંથી લોકો પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે સચિવાયની મુલાકાતે આવતા હોય છે. સાથે કેટલાક રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ પણ સચિવાલયની મુલાકાતે આવતા હોય છે. પરંતુ હવે સચિવાલયમાં મુલાકાતીઓ પર કડક નિયંત્રણ મુકવામાં આવી રહ્યું છે. એટલે કોઈ કામ વિના સચિવાલયમાં આવતા લોકોને પ્રવેશવું મુશ્કેલ બનશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના સચિવાલયમાં પોતાનું કામ કઢાવી લેવા માટે આવતાં અમુક તત્ત્વો સામે પીએમઓએ સચેજ રહેવાની તાકીદ કર્યા બાદ એજન્ટોની જેમ એકથી બીજા મંત્રીઓના કાર્યાલયમાં ફરતા રહેતા અને કોઇ પણ કામકાજ વિના ઔપચારિકતાના બહાને આવનારા લોકોને હવે મંત્રીઓના કાર્યાલયમાં પ્રવેશ નહીં મળે. સચિવાલયમાં સીસીટીવી કેમરા નેટવર્ક અને આઇબીની વોચને વધુ તેજ બનાવાઈ છે. હવે સચિવાલયના મુલાકાતીઓ અને મંત્રીઓને મળનારા લોકો પર નજર રાખશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સચિવાલયમાં આવનારી વ્યક્તિ એક વાર મુખ્ય પ્રવેશદ્વારે પાસ કઢાવીને ગમે તે જગ્યાએ ફરતી રહે છે. આ સિવાય મંત્રીની ઑફિસમાંથી કોઇ સ્ટાફના ફોનકોલને આધારે તેમને ગમે ત્યારે ગમે ત્યાં પ્રવેશ મળી જાય છે. આ સિવાય કેટલાક લોકો સચિવાલયમાં પ્રવેશ માટે હંગામી ઓળખપત્ર કઢાવી લે છે. આ તમામ બાબતો પર હવે નિયંત્રણ આવશે અને તમામ લોકોની યોગ્યતા ચકાસ્યા પછી જ પ્રવેશ શક્ય બનશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સચિવાલયમાં પ્રવેશ કરનારા લોકોને જેમને મળવું છે તેમની કચેરીનો જ પાસ કાઢી આપવામાં આવે છે તેમ છતાં તેઓના સ્વૈરવિહાર પર પણ કાપ મુકાશે. સચિવાલય સંકુલમાં તૈનાત પોલીસ અને સલામતી દળના જવાનો પણ આવી રીતે વિહરતા લોકોના પ્રવેશ પાસ ગમે ત્યારે ચકાસશે. કહેવાય છે. કે, કેટલાક એજન્ટો સચિવાલયમાં બિન્દાસ્તથી ફરી રહ્યા છે. અને તેઓ સીધી કે આડકતરી રીતે ભાજપના જ ઘણા લોકો સાથે સંકળાયેલા હોય છે. આવા લોકો હજુ પણ સતત સચિવાલયમાં ફરતા રહે છે. દેખીતી રીતે તેમની ભૂમિકા હજુ બહાર આવી નથી પરંતુ ભાજપ અને સરકારને ચિંતા પેઠી છે કે જો આવી પ્રવૃત્તિ કરનારા લોકોની જાળ વધુ વિસ્તરશે તો તેની વિપરીત અસર પક્ષને અને સરકારને થશે. આ સંજોગોમાં આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.