અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં તમામ કારોબાર અંગ્રેજીમાં ચાલે છે. તેને માતૃભાષા ગુજરાતીમાં તમામ વ્યવહાર ચલાવવા માટે છેલ્લા ઘણા સમયથી માગણી થઈ રહી છે. ત્યારે અમદાવાદ બાર એસોસિએશને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખીને હાઇકોર્ટમાં માતૃભાષામાં કાનુની કાર્યવાહી કરવાની રજુઆત કરી છે. જોકે હાઈકોર્ટમાં ગુજરાતી ભાષામાં કાનુની કાર્યવાહી કરવા બાબતે વકીલોમાં એકરાગ નથી, કેટલાક સિનિયર વકિલો હાલ જે વ્યવસ્થા છે, તે બરોબર હોવાનું કહી રહ્યા છે
ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સમાવિષ્ટ કરવાની માંગ સાથે ગુજરાત બાર કાઉન્સીલના પ્રમુખ ભરત શાહે પત્રમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં આશરે એક લાખથી વધુ વકીલો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં નોંધાયેલા છે. જેમાંથી આશરે પાંચ હજાર વકીલો ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરે છે. બાકીના વકીલો કાયદાકીય જ્ઞાન અને અનુભવ ધરાવતાં હોવા છતાં પણ હાઇકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોવાથી તેઓ હાઇકોર્ટમાં વકીલાત કરી શકતા નથી. પરિણામે, ગુજરાતની પ્રજાને સસ્તો અને ઘરઆંગણે ન્યાય આપવાની સુપ્રીમ કોર્ટ અને સરકારની પહેલ કયાંક અવરોધ પામે છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત જિલ્લા કે તાલુકા કક્ષાએ વકીલાત કરતાં વકીલો દ્વારા સેશન્સ કેસ કે દાવો ચલાવ્યો હોવાથી તેઓને તે કેસ અંગેની માહિતી વધુ હોય છે. જો જિલ્લા-તાલુકા અદાલતના વકીલોને જો હાઇકોર્ટમાં માતૃભાષામાં એટલે કે, ગુજરાતી ભાષામાં કેસ ચલાવવા દેવામાં આવે તો અસીલોને પણ સસ્તો તેમજ ઝડપી ન્યાય ઉપલબ્ધ થઇ શકે તેમ છે. આ સંદર્ભે રાજ્યપાલને પત્ર લખીને રજુઆત કરી છે.