અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી હાલ કોર્ટમાં ફક્ત ઈમરજન્સી કેસની જ કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ રાજ્યના વકીલો પણ કોરોનાની ઝપટે ચડ્યાં છે. દરમિયાન ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા કોરોના પીડિતોને આર્થિક સહાય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત બાર કાઉન્સિલની મળેલી મીટીંગમાં કોરોના મહામારીનો ભોગ બનેલાં 710 વકીલોને બનતી ત્વરાએ 90 લાખ જેટલી રકમ ચુકવવાનો નિર્ણય કરાયો છે. તેમજ કોવિડમાં મૃત્યુ પામેલા વકીલોના વારસદારોને રકમ ચુકવવા માટેની અરજીઓ પર 6ઠ્ઠી મેના રોજ નિર્ણય કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. અગાઉ મળેલી મિટિંગમાં કોવિડથી મૃત્યુ થયું હોય તેવા વકીલોના પરિવારને રૂ.1 લાખ અને કોરોનાગ્રસ્ત થયા હોય તેવા ધારાશાસ્ત્રીઓને રૂ.30 હજારની સહાય ચૂકવવા નિર્ણય કરાયો હતો. જેના માટે અરજીઓ મંગાવતા કોરોના સંક્રમિત થયેલા 710 ધારાશાસ્ત્રીઓએ ઇ-મેઇલ મારફતે અરજી જરી હતી. આ અરજીઓ પર ચર્ચા કરવા માટે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન હીરાભાઇ પટેલ સહિતના સભ્યોની મીટીંગ મળી હતી.
ગુજરાતમાં 74 ધારાશાસ્ત્રીઓએ હોસ્પિટલમાં અને 635 ઉપરાંતના ધારાશાસ્ત્રીઓએ હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હતી. જેમાં હોસ્પિટલમાં સારવાર લેનાર વકીલોન મેડિકલ બિલોને ધ્યાનમાં લઇને ત્વરિત રૂ. 30 હજાર ચુકવવાનો નિર્ણય લેવાયો છે જ્યારે હોમ આઇસોલેટ રહેલા વકીલોના મેડિકલ બિલ ના હોય તેવા કિસ્સામાં પણ દરેક ધારાશાસ્ત્રીઓને રૂપિયા 10 હજાર ત્વરિતચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે ધારાશાસ્ત્રીઓને 30 હજારથી વધુ સારવાર ખર્ચ થયો છે, તેમને બાર કાઉન્સિલ ઇન્ડીજેન્ટ કમિટીને વધુ સહાય ચુકવવા ભલામણ કરવામાં આવી છે.