અમદાવાદઃ કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ખેડૂતોએ તા. 8મી ડિસેમ્બરે દેશવ્યાપી બંધના એલાનની જાહેરાત કરી છે. જેને દેશની વિવિધ રાજકીય પાર્ટીઓ સમર્થન કરી રહી છે. દરમિયાન ગુજરાતના ખેડૂતોએ બંધના એલાનને સમર્થન આપ્યું છે. તેમજ રાજ્યના અલગ અલગ 17 જેટલા ખેડૂત સંગઠનોએ ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરીને બંધના એલાન પાડીને સમર્થન અંગે રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. દરમિયાન વડોદરાના હાથીખાનાના વેપારીઓએ પણ ખેડૂતોના ભારત બંધના એલાનને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતના વિવિધ સ્થળોએ ખેડૂતો 10 તારીખે ધરણા કરી વિરોધ નોંધાવશે. તેમજ 12 તારીખે ખેડૂતો સાથે દિલ્લી કુચ કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા ટેકો જાહેર કરીને 35 યુનિયન સહકાર આપીને ખેડૂત આંદોલનને સમર્થન જાહેરાત કરી છે. દરમિયાન વડોદરાના વેપારીઓએ પણ ખેડૂતોના ભારત બંધના એલાનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. વડોદરાના સૌથી મોટા હાથીખાના અનાજ કરિયાણા માર્કેટ એસોસિએશને ખેડૂતોના સમર્થનની જાહેરાત કરી છે. વેપારીઓએ ભારત બંધને સમર્થન આપ્યું છે. 8 ડિસેમ્બરે હાથીખાના બજાર બંધ રહેશે. એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર વડોદરાના તમામ અનાજ કઠોળના વેપારીઓને દુકાન બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.