Site icon Revoi.in

બનાસકાંઠામાં ખનીજની થતી બેરોકટોક ચોરી, ભૂસ્તર વિભાગે ત્રણ ડમ્પર પકડીને લાખોનો દંડ ફટકાર્યો

Social Share

પાલનપુરઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં ખાનગી વાહનમાં ચેકિંગ હાથ ધરી ત્રણ રેતી ભરેલા ડમ્પર કબજે કરી રૂપિયા 6.53 લાખનો દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભૂસ્તર વિભાગના ચેકિંગથી ખનીજ ચોરોમાં ફફડાટવ્યાપી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનિજચોરી ઝડપવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ખાનગી વાહનોમાં ચેકિંગ હાથ ધરાતા વહેલી સવારે ડીસા-થરાદ હાઇવે પર આગથળા પાસેથી એક ડમ્પર નંબર GJ 08 Y 8453ને રોકવી પૂછપરછ કરવામાં આવી હતી. જેનો રોયલ્ટી પાસ ચેક કરતા છ ટન વધુ સાદી રેતી ગેરકાયદેસર ભરેલી હોઇ તેને ઝડપી પાડી ડમ્પર આગથળા પોલીસને સોંપવામાં આવ્યો હતો. તેમજ ડમ્પરના માલીક પાસેથી  રૂ 1.31 લાખનો દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જિલ્લાના ભૂસ્તર વિભાગના અધિકરીઓએ બીજા દિવસે પણ ચેકિંગ ચાલુ રાખ્યું હતું. અને વહેલી સવારે ફરી ખાનગી વાહનમાં નંબર પ્લેટ વગરના ડમ્પરોનું ચેકિંગ હાથ ધરતા કાંકરેજના કંબોઇના પાસે GJ 24 X 0662 અને GJ 24 V 8845 નંબરનાં બે ડમ્પર રેતી ભરીને આવી રહ્યા હતા. જેમની પાસે રોયલ્ટી પાસ મળી ન આવતાં સાદી રેતીની ગેરકાયદેસર ખનીજચોરી કરતા હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી બંને વાહનોને શિહોરી પોલીસ સ્ટેશને લાવી પોલીસને સોંપવામાં આવ્યા હતા અને રૂપિયા 5.22 લાખનો દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરી હતી. આમ બે દિવસમાં ત્રણ ખનીજ ચોરી કરતા ડમ્પર ઝડપી રૂ 6.53 લાખનો દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠાના ભૂસ્તર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક ખનીજ ચોરો સરકારી ગાડીની સતત વોચ રાખતા હોવાથી બે દિવસથી અમારી ટીમે વહેલી સવારે ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરીને ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા હતા અને હજુ પણ ખનીજ ચોરી કરતા તત્વોને છોડવામાં નહિ આવે એવી ચીમકી આપી હતી.