- બાસવરાજ બોમ્મઇ બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી
- આજે સવારે 11 વાગ્યે નવા મુખ્યમંત્રી પદના લેશે શપથ
- બાસવરાજ કર્ણાટકના ગૃહમંત્રી તરીકે કરી રહ્યા છે કામ
બેંગલુરુ:કર્ણાટકના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે બાસવરાજ બોમ્મઇ ચૂંટાયા છે. મંગળવારે ધારાસભ્ય પક્ષની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આજે સવારે 11 વાગ્યે બાસવરાજ બોમ્મઇ મુખ્યમંત્રી પદના શપથ લેશે. હાલમાં તેઓ કર્ણાટકના ગૃહમંત્રી તરીકે કામ કરી રહ્યા છે.
રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાએ સોમવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેના એક દિવસ બાદ નવા મુખ્યમંત્રીની ઘોષણા કરવામાં આવી. બાસવરાજ બોમ્મઇ યેદિયુરપ્પાની નજીક માનવામાં આવે છે.
યેદિયુરપ્પાની જેમ ભાજપે ફરી એકવાર નવા મુખ્યમંત્રી તરીકે લિંગાયત સમુદાયને પસંદ કર્યા છે. બોમ્મઇ પણ આ સમુદાયમાંથી આવે છે. એવું માનવામાં આવતું હતું કે ભાજપ નેતૃત્વમાં પરિવર્તન લાવવા માટે તેના મુખ્ય વોટ બેંક લિંગાયત સમુદાયને બાજુ પર રાખી શકશે નહીં. આ સમુદાયની વસ્તી રાજ્યની લગભગ 17 ટકા વસ્તી છે. યેદિયુરપ્પાને હટાવ્યા બાદ લિંગાયત સમુદાય મોટા પાયે પક્ષના નિર્ણયનો વિરોધ કરી રહ્યો હતો.
યેદીયુરપ્પાની સરકારમાં બોમ્મઇ ગૃહ, કાનૂન, સંસદીય બાબતો અને વિધાનસભ્યોના વિભાગો સંભાળી રહ્યા હતા અને હવે તે હાવેરી અને ઉડુપી જિલ્લાના પ્રભારીમંત્રી પણ છે. યેદિયુરપ્પાની આગેવાનીવાળી સરકારમાં બોમ્મઈને શરૂઆતમાં ગૃહ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો હતો અને બાદમાં કેટલાક મહિના પહેલા કેબિનેટ ફેરબદલમાં તેમને કાયદા, સંસદીય બાબતો અને વિધાનસભા બાબતોના મંત્રાલયોની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.