ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસને લીધે રોજગારીની અનેક તકો ઊભી થઈ છે. નવા નવા પ્રવાસન સ્થળોને સાકાર કરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓની સંખ્યા વધતી રહે તે માટે પ્રવાસનમાં સતત નવુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠક મળી હતી. જેમાં ગુજરાતના બે ટાપુઓનો વિકાસ કરવાની જાહેરાત કરાઈ છે. ગુજરાતના આ બે ટાપુઓ હવે થાઈલેન્ડના ટાપુની જેમ હાઈફાઈ બનાવાશે. જેમા સૌરાષ્ટ્રમા આવેલા બેટદ્વારકા અને શિયાળ બેટનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠક યોજવામાં આવી હતી. 1600 કિ.મીનો વિશાળ સાગરકાંઠો અને 144થી વધુ આયલેન્ડ ધરાવતું ગુજરાત વિકાસમાં અગ્રેસર છે. તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રહીને રાજ્ય સરકારે આ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને રચના કરી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક-સામાજિક અને પ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ ઓથોરિટીની પાંચમી બોર્ડ બેઠકમાં અગાઉની બોર્ડ બેઠકમાં જે બે ટાપુઓ બેટદ્વારકા અને શિયાળબેટનો પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે માટેની નાણાકીય ફાળવણી આ વર્ષના રૂપિયા 2077 કરોડના પ્રવાસન બજેટમાંથી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત 1600 કિલોમીટર લાંબો વ્યૂહાત્મક દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે, તે સંદર્ભમાં કોસ્ટલ બેલ્ટના તાલુકાઓ માટે સંકલિત વિસ્તાર વિકાસ યોજનાની તૈયારીઓ માટે કન્સલટન્ટ-એડવાઈઝરની પસંદગી અંગે બોર્ડ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય સચિવ રાજકુમારે દ્વારકા કોરિડોર ડેવલપમેન્ટ માટે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી રચવાનું સૂચન કર્યું હતું.