રાજકોટઃ ગુજરાતમાં જુદી જુદી યુનિવર્સિટીઓ દ્વારા બીબીએ અને બીસીએના અભ્યાસક્રમો માટે ટેકનિકલ કાઉન્સિલની મંજુરી લેવામાં આવતા નહતી. પરંતુ હવે બન્ને અભ્યાસક્રમો માટે AICTEની મંજુરી લેવી ફરજિયાત છે. જે રીતે ઈજનેરીના અભ્યાસક્રમોમાં મંજુરી લેવી પડે છે તેજ રીતે બીબીએ અને બીસીએના અભ્યાસક્રમોની મંજુરી પણ કાઉન્સિલની લેવી પડશે. આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેની સંલગ્ન બીબીએ, બીસીએ અને બી.ડિઝાઈન કોર્સ ચલાવતી કોલેજોને AICTE (ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન)માંથી મંજુરી લેવા માટે પરિપત્ર કર્યો છે. યુજીસીએ પણ આ બાબતનો પરિપત્ર 8 જાન્યુઆરીએ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બીબીએ, બીસીએ અને બી.ડિઝાઈન કોર્સ ચલાવતી અંદાજિત 90થી વધુ કોલેજોએ 26 ફેબ્રુઆરી સુધીમાં મંજૂરી માટેની અરજી કરી દેવી પડશે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવે પણ ગુરુવારે પરિપત્ર કરીને સંલગ્ન કોલેજોના આચાર્યો અને સંસ્થાના વડાને પરિપત્ર મોકલી જાણ કરી છે. અગાઉ યુજીસીએ પણ પરિપત્ર કરીને આ મુદ્દે જણાવ્યું હતું કે, ટેક્નિકલ સંસ્થા હાલમાં મેનેજમેન્ટ અને કમ્પ્યૂટર એપ્લિકેશન્સમાં અનુસ્નાતક કાર્યક્રમો સિવાય એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના અભ્યાસક્રમોનું નિયમન કરે છે. આગામી શૈક્ષણિક વર્ષથી, ટેક્નિકલ સંસ્થા કમ્પ્યૂટર્સ અને મેનેજમેન્ટમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સ ઓફર કરતી સંસ્થાઓ પર પણ નજર રાખશે.
AICTE ના જણાવ્યા મુજબ, માન્ય સંસ્થાઓને ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજનાઓ, મોડેલ અભ્યાસક્રમ, ઈ-કુંભ પોર્ટલ દ્વારા ભારતીય ભાષાઓમાં મફત ઈ-પુસ્તકો, સંસ્થાઓ માટે માર્ગદર્શન યોજના, પ્રદર્શન વિશ્લેષણ આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિપત્રમાં જણાવ્યું છે કે, AICTE હેઠળ મેનેજમેન્ટ અને કમ્પ્યૂટર એપ્લિકેશનમાં યુજી અભ્યાસક્રમો લાવવા બાબતે યુજીસીના પરિપત્ર મુજબ જરૂરી કાર્યવાહી કરવી. AICTEએ આ બાબતે કોલેજોને મંજૂરી લેવા માટે 26 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો મંજૂરી ન લે તો શું કાર્યવાહી કરવી તેની કોઈ સ્પષ્ટ સૂચના યુનિવર્સિટી દ્વારા જાહેર કર્યુ નથી.