નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે, જેમાં 10 માર્ચ અનામત દિવસ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ માટે વિન્ડો શોધવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આવતા વર્ષે 1 માર્ચે લાહોરમાં કટ્ટર હરીફ ભારત સામેની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમની ટીમની મહત્વપૂર્ણ મેચ ફિક્સ કરી દીધી છે. જોકે, બીસીસીઆઈએ હજુ સુધી અસ્થાયી કાર્યક્રમ પર પોતાની સંમતિ આપી નથી. તેમ આઈસીસી બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું.
1996 પછી એવુ પ્રથમ વખત બનશે જ્યારે પાકિસ્તાન કોઈ મોટી ICC ટૂર્નામેન્ટનું આયોજન કરશે, જોકે તેમણે 2008માં સમગ્ર એશિયા કપ અને ગયા વર્ષે પણ તેમની ધરતી પર સમાન ટુર્નામેન્ટની કેટલીક મેચોની યજમાની કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી કે તે રાષ્ટ્રીય ટીમને ICC ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન મોકલશે કે નહીં.
રિપોર્ટ અનુસાર, PCB અધ્યક્ષ મોહસિન નકવીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 15 મેચોનું શેડ્યૂલ રજૂ કર્યું છે. જેમાં સુરક્ષા અને લોજિસ્ટિકલ કારણોસર ભારતની તમામ મેચ લાહોરમાં રાખવામાં આવી છે. ICC બોર્ડના એક સભ્યએ જણાવ્યું હતું કે, “PCBએ 15 મેચોની ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. સાત મેચ લાહોરમાં, ત્રણ કરાચીમાં અને પાંચ રાવલપિંડીમાં યોજાશે. ઓપનિંગ મેચ કરાચીમાં યોજાશે, જ્યારે બે મેચ સેમી ફાઈનલ કરાચી અને રાવલપિંડીમાં યોજાશે આ સિવાય ભારતની તમામ મેચ (જો ટીમ ક્વોલિફાય થશે તો સેમીફાઈનલ સહિત) લાહોરમાં રમાશે.
ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. સુરક્ષા ટીમે સ્થળ અને અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યા બાદ તાજેતરમાં જ ICC ઈવેન્ટ્સ ચીફ ક્રિસ ટેટલીએ PCB અધ્યક્ષ મોહસિન નકવીને ઈસ્લામાબાદમાં મળ્યા હતા.