IPL મેગા ઓક્શન પહેલા BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલે મોટા ફેરફારો કર્યા છે. આ નવા નિયમો બાદ IPL સંપૂર્ણપણે બદલાઈ જશે. BCCIએ વિદેશી ખેલાડીઓ પ્રત્યે કડકતા દર્શાવતા નવા નિયમોને મંજૂરી આપી છે. હવે આ નવા નિયમ બાદ જો કોઈ વિદેશી ખેલાડી મેગા ઓક્શન માટે રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તે હરાજી માટે અયોગ્ય ગણાશે. આવા ખેલાડીઓના નામ હરાજીમાં દેખાશે નહીં અને તેમના પર કોઈ બોલી લગાવવામાં આવશે નહીં.
અત્યાર સુધી એવું જોવામાં આવ્યું છે કે IPL ઓક્શનમાં મોટી રકમ મળી હોવા છતાં, વિદેશી ખેલાડીઓ સિઝનની શરૂઆત પહેલા ઈજા અથવા અન્ય સમસ્યાઓનું કારણ આપીને સિઝનમાંથી બહાર થઈ જાય છે. આને લઈને આઈપીએલ ટીમોની મુશ્કેલીઓ વધી જાય છે, પરંતુ હવે બીસીસીઆઈએ કડક વલણ અપનાવ્યું છે. હવે જો આઈપીએલની હરાજીમાં કોઈપણ ખેલાડીને ખરીદવામાં આવે છે અને જે બાદ તે પોતાનું નામ પાછું ખેંચી લે છે, તો તે ખેલાડી પર 2 સીઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. BCCIના આ નિર્ણય બાદ IPL ટીમો માટે તેમની વધુ સારી રણનીતિ બનાવવી સરળ થઈ જશે.
તાજેતરમાં BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલે મેગા ઓક્શન પહેલા નવા નિયમોની જાહેરાત કરી હતી. IPLની ટીમો મેગા ઓક્શન પહેલા 5 ખેલાડીઓને રિટેન કરી શકશે. આ સિવાય IPL ટીમો પાસે રાઈટ ટુ મેચ કાર્ડ હશે. જેના દ્વારા આઈપીએલની ટીમો પોતાના એક ખેલાડીને હરાજીમાં ફરીથી સામેલ કરી શકશે. આ રીતે ટીમોને તેમના જૂના 6 ખેલાડીઓને પાછા સામેલ કરવાની તક મળશે. એવું માનવામાં આવે છે કે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં IPL મેગા હરાજીનું આયોજન કરવામાં આવી શકે છે.