BCCI: જય શાહ અને રાહુલ દ્રવિડ વચ્ચે મળી બેઠક, વર્લ્ડ કપ અને એશિયા કપ અંગે થઈ ચર્ચા
નવી દિલ્હીઃ આગામી દિવસોમાં એશિયા કપની સાથે આઈસીસી વર્લ્ડકપ રમાવવાનો છે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમ હાલ તડામાર તૈયારી કરી રહ્યું છે. ખેલાડીઓ હાલ પ્રેકસિટ કરી રહ્યાં છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ એશિયાકપ અને વર્લ્ડકપમાં જીત માટે રણનીતિ તૈયારીઓ શરુ કરી છે. દરમિયાન બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ ગાંધી વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. જેમાં એશિયા કપ અને વર્લ્ડકપની તૈયારી સહિતના વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ભારતીય ટીમે 2013 પછી એક પણ ICC ટ્રોફી જીતી નથી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ બે ODI વર્લ્ડ કપ, ચાર T20 વર્લ્ડ કપ અને બે ICC ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નિરાશ કર્યા છે. હવે ભારત ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. આ વખતે ટીમ ટ્રોફી ઉપાડે તેવી અપેક્ષા છે. આ માટે ભારતીય ખેલાડીઓ ઘણો પરસેવો પાડી રહ્યા છે. મેદાનની બહાર પણ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. દરમિયાન BCCI સેક્રેટરી જય શાહ અને કોચ રાહુલ દ્રવિડ વચ્ચે લાંબી વાતચીત થઈ છે. જય શાહ અને દ્રવિડ વચ્ચે લગભગ બે કલાક સુધી બેઠક ચાલી હતી. બંનેની મુલાકાત વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી બે T20I પહેલા થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચેની આ વાતચીત નિયમિત પ્રક્રિયા છે, પરંતુ એશિયા કપ અને વર્લ્ડ કપને લઈને લાંબી વાતચીત થઈ હતી. જય શાહ જે હોટલમાં રોકાયા હતા ત્યાં આ બેઠક થઈ હતી. જ્યારે ટીમ ઈન્ડિયા અન્ય હોટલમાં હતી. જય શાહ ખાનગી પ્રવાસ માટે યુએસમાં હતા આ બેઠક બાદ એ વાત સામે આવી છે કે, કોચિંગ સ્ટાફ વધારવામાં આવી શકે છે. 2021 T20 વર્લ્ડ કપ પહેલા, BCCIએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મેન્ટર તરીકે સામેલ કર્યા હતા.