- BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીની જાહેરાત
- IPL ના કાર્યક્રમમાં કોઈ ફેરફાર થશે નહીં
- લોકડાઉન છતાં મેચ મુંબઇમાં જ યોજાશે
- મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
મુંબઈ :આઈપીએલ 2021 ની શરૂઆતને હજી થોડા જ દિવસો બાકી છે, પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ તમામની ચિંતા વધારી દીધી છે. સૌથી મોટી ચિંતા મુંબઇમાં મેચોનું આયોજન કરવાનું છે. કારણ કે મહારાષ્ટ્રમાં મોટાભાગના કેસ નોંધાયા છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારે સોમવારથી વીકએન્ડ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. જોકે બદલાતા સંજોગોને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મોટો નિર્ણય લીધો છે.
ગાંગુલીએ તમામ અટકળો પર અંત લાવતા કહ્યું કે, આઈપીએલના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને ટૂર્નામેંટ તેમના સમયપત્રક પ્રમાણે હશે. લોકડાઉનથી અમને કોઈ મુશ્કેલી નહીં થાય કારણ કે, અમે રાજ્ય સરકારની ત્યાં મેચને યોજવાની મંજૂરી લઇ લીધી છે.
નોંધપાત્ર વાત એ છે કે, આઈપીએલની 10 લીગ મેચ મુંબઇના વાનખેડે મેદાન પર રમાશે. આ તમામ મેચ 10 થી 25 એપ્રિલની વચ્ચે બાયો બબલની અંદર રમવામાં આવશે. અહીં પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. હાલમાં, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો અહીંના બાયો બબલમાં પ્રેક્ટિસ કરી રહી છે.
દેવાંશી