Site icon Revoi.in

દુનિયાના સૌથી ધનવાર ક્રિકેટ બોર્ડમાં BCCI ટોપ ઉપર

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને કમાણીના મામલામાં ફરી એકવાર પોતાનો દબદબો બતાવ્યો છે. BCCIએ પાંચ વર્ષમાં 27,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. નાણાકીય વર્ષ 2018-2022ના પાંચ વર્ષ દરમિયાન, BCCIને કુલ 27,411 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. તેમ નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ માહિતી આપી હતી.

રાજ્યસભામાં પંકજ ચૌધરીએ કહ્યું કે BCCIને આ આવક ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના મીડિયા અધિકારો, સ્પોન્સરશિપ અને રેવન્યુ શેર દ્વારા પ્રાપ્ત થઈ છે. પંકજ ચૌધરીએ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) સાંસદ અનિલ દેસાઈના પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. અનિલ દેસાઈએ સંસદમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, શું કેન્દ્ર સરકારને એ વાતની જાણ છે કે BCCI વિશ્વની બીજી સૌથી ધનિક રમત સંસ્થા છે? આ સિવાય તેમણે સરકારને છેલ્લા પાંચ વર્ષમાં બીસીસીઆઈની આવક, ખર્ચ અને ટેક્સની વિગતોની માહિતી આપવા પણ વિનંતી કરી હતી.

એક પ્રશ્નના જવાબમાં પંકજ ચૌધરીએ ગૃહમાં કહ્યું હતું કે, સરકાર વૈશ્વિક સ્તરે રમતગમત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ અંગેનો ડેટા જાળવી શકતી નથી, પરંતુ તેમણે BCCIનો ડેટા ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભા સાથે શેર કર્યો છે. બીસીસીઆઈએ પણ આ પાંચ વર્ષમાં સારો એવો ટેક્સ ચૂકવ્યો છે અને તેનો આંકડો 4298 કરોડ રૂપિયા રહ્યો છે.

બીસીસીઆઈએ આ પાંચ વર્ષમાં 15,170 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો છે. બીસીસીઆઈએ નાણાકીય વર્ષ 2018માં રૂ. 2917 કરોડની આવક દર્શાવી હતી, જે નાણાકીય વર્ષ 2022માં વધીને રૂ. 7606 કરોડ થઈ હતી. તેની પાછળનું મુખ્ય કારણ IPL અને ભારતીય ક્રિકેટના મીડિયા અધિકારોની કિંમતમાં વધારો છે.