Site icon Revoi.in

સતર્ક રહો! વર્ક પરમિટ પર અમેરિકા-કેનેડા મોકલીશું, એમ કહીને કરોડો પડાવી લીધા

Social Share

અમદાવાદ: ગુજરાતમાં આજકાલ વિદ્યાર્થીઓને બહારના દેશમાં સેટલ થવાની ઘણી ઈચ્છા હોય છે. આવામાં કેટલાક વિદ્યાર્થીઓની સાથે છેતરપિંડી પણ થતી હોય છે. આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિવારને વર્ક પરમિટ પર અમેરિકા-કેનેડા મોકલીશું એમ કહીને પરિવાર પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા.

જાણકારી અનુસાર ઉત્તર ગુજરાતમાં હાલ પરિવારોને વિદેશમાં વસવાનું ઘેલું લાગ્યું છે ત્યારે કબુતરબાજીનો વધુ એક કાંડ બહાર આવ્યો છે. જેમાં અમેરિકા અને કેનેડામાં વર્ક પરમિટના નામે બાળકો સહિત 15 સભ્યોને મોકલવાની લાલચ આપીને તેમને પશ્ચિમ બંગાળ અને ત્યાર બાદ દિલ્હીની હોટલમાં ગોંધી રાખીને પરિવારો પાસેથી કરોડો રૂપિયાની ખંડણી વસુલવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી સુધી મામલો પહોંચ્યા બાદ ગઇકાલે ગાંધીનગર પોલીસે દિલ્હીની હોટલમાં ઓપરેશન પાર પાડયું હતું અને બાળકો સહિત 15 સભ્યોને મુક્ત કરાવ્યા હતા જો કે, મુખ્ય સુત્રધાર એજન્ટ ભાગી જવામાં સફળ રહ્યા હતા.

પોલીસે આ એજન્ટો સાથે સંપર્ક કરાવનાર અમદાવાદના એક એજન્ટને ઝડપી લીધો છે.  ગાંધીનગર જિલ્લાના કલોલના ડિંગુચાનો પરિવાર અમેરિકા જવાની લ્હાયમાં કેનેડાની માઇનસ 45 ડિગ્રીમાં ઠુંઠવાઇને મોતને ભેટયો હતો તેમ છતા હજી ઉત્તર ગુજરાતના કેટલાક ગામોમાં કોઇ પણ ભોગે કોરોડો રૂપિયા ખર્ચીને જાણે કે વિદેશમાં સ્થાયી થવાનું ઘેલું લાગ્યું છે.

ડિસેમ્બર મહિનામાં ગયેલા દંપતિ પાસેથી આ પ્રકારે ખંડણી ઉઘરાવવાની પ્રક્રિયા ચાલુ જ રહેતા આ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચી હતી અને જેના પગલે ગાંધીનગર પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ટીમો સક્રિય થઇ હતી અને કોલકત્તા અને દિલ્હીના સ્પેશ્યલ સેલની મદદ લઇ બાળકો સહિત 15 વ્યક્તિઓને ગઇકાલે રાત્રે દિલ્હીની હોટલમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. જેમને રેલવે અને હવાઇ માર્ગે આજે ગાંધીનગર લાવવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, રાજેશ પટેલ મારફતે આ લોકોને કલકત્તા અને દિલ્હી મોકલવામાં આવ્યા હતા અને સુશીલ રોય,સંતોષ રોય તથા કમલ સિંઘાનીયાના માણસોએ આ પરિવારજનોને બંગાળમાં ગોંધી રાખી તેઓ કેનેડા અને અમેરિકા પહોંચી ગયા છે તેમ જણાવીને કુલ 3.05 કરોડ રૂપિયા વસુલી લીધા હતા.