લખનૌઃ સામાન્ય રીતે આપણે મોબાઈલ ફોનની બેટરી ફાટવાની ઘટના અનેકવાર સાંભળીને છે પરંતુ ઉત્તરપ્રદેશમાં ચાર્જીંગમાં મુકેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા જતા કરંટ લાગવાથી તરૂણના મોતની ઘટના બની છે. દેશમાં મોબાઈલથી કરંટ લાગવાની તરૂણની મોતની આ પ્રથમ ઘટના હશે. મેન્યુફેક્ચરિંગ ખામી અને વપરાશકારની બેદરકારીને કારણે આવી ઘટના બનતી હોવાનું જાણકારો માની રહ્યાં છે. એટલું જ નહીં જાણકારોનું માનવું છે કે, બને ત્યાં સુધી મોબાઈલ ફોનના ચાર્જરથી ચાર્જીંગ કરવો જોઈએ, તેમજ હાઈસ્પીડ ચાર્જરનો ઉપયોગ ટાળવો જોઈએ.
ઉત્તર પ્રદેશમાં મોબાઈલ મારફતે કરંટ લાગવાથી એક તરૂણનું મોત થયું છે. 16 વર્ષનો તરૂણ ચાર્જિંગ મોડ પર ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તરૂણે પોતાનો ફોન ચાર્જિંગ પર મૂક્યો હતો, તે જ સમયે તેના ફોન પર કોલ આવ્યો અને યુવકે ફોન ઉપાડતા જ તેને વીજ કરંટ લાગ્યો અને જમીન પર પડી ગયો હતો. અગાઉ ચાર્જિંગ દરમિયાન સ્માર્ટફોન ફાટવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે, પરંતુ મોબાઈલમાં વીજળી પડવાનો આ કદાચ પહેલો કિસ્સો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, તરૂણનું નામ સત્યમ શર્મા છે અને તે બદાઉન જિલ્લાના બિસૌલીનો રહેવાસી હતો. તેના સંબંધીઓનું કહેવું છે કે, સત્યમે ફોન ઉપાડતા જ તેને વીજ કરંટ લાગ્યો અને તે જમીન પર પડી ગયો હતો. સત્યમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ક્યારેક મેન્યુફેક્ચરિંગ ખામી અથવા તો ક્યારેક યુઝર્સની બેદરકારીને કારણે આવી ઘટના બને છે. સામાન્ય રીતે, પાવર સપ્લાયમાં સમસ્યા હોય ત્યારે જ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ અને સ્માર્ટફોનમાં આગ લાગે છે અથવા વીજળીનો કરંટ લાગે છે. ઘણી વખત ફોનને ચાર્જ કરવા માટે વધુ પડતા પાવરવાળા ચાર્જર અને લોકલ ચાર્જરનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણોસર પણ વીજ પુરવઠામાં સમસ્યા ઉભી થાય છે અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોને કારણે વીજ કરંટ લાગે છે. આવી સ્થિતિમાં ક્યારેક ફોનની બેટરી વિસ્ફોટ જેવી સ્થિતિ પણ સર્જાય છે.
જો તમે ફોનને ચાર્જ કરવા માટે લોકલ ચાર્જરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તેને તરત જ બંધ કરી દો. તેનાથી સ્માર્ટફોનની બેટરી તો બગડે જ છે, પરંતુ બેટરી બ્લાસ્ટનું મુખ્ય કારણ પણ બની શકે છે. વાસ્તવમાં, લોકલ ચાર્જરમાં પાવર ફ્લો વધુ કે ઓછો વારંવાર થતો હોય છે, જેના કારણે સ્માર્ટફોનની બેટરી પર દબાણ આવે છે અને વધુ પડતા દબાણને કારણે બેટરી ઘણી વખત બ્લાસ્ટ થાય છે. આ કિસ્સામાં, ફોનને ચાર્જ કરવા માટે ફક્ત ફોનના મૂળ ચાર્જરનો ઉપયોગ કરો.