વેકેશનમાં બાળકોને સ્વિમિંગ પૂલમાં લઈ જતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
એક જમાનો હતો જ્યારે ગામની વહેતી નદીમાં બાળકો મોજ કરતાં જો કે હવે શહેરામાં નદીઓનું સ્થાન સ્વિમિંગ પુલે લીધું છે. હવે તો ભરઉનાળો શરૂ થઈ ચુક્યો છે અને એમાં પણ વેકેશન. વેકેશનમાં હાલ જો કોઈ ટ્રેન્ડ જોવા મળતો હોય તો તે છે સ્વિમિંગ પૂલમાં ધુબકા લગાવવાનો.. દરેક ઉંમરના બાળકને પાણી પ્રિય હોય છે પરંતુ સ્વિમિંગ-પૂલ સાથે અમુક પ્રકારનાં રિસ્ક પણ જોડાયેલાં છે, જે રિસ્કને સમજવાં અને જાણવાં ખુબ જરૂરી છે. સેફ્ટી અને હાઇજીનનું ધ્યાન રાખવા છતાં બાળકોને હેલ્થ-પ્રૉબ્લેમ્સ આવી શકે છે. સ્વિમિંગ પૂલમાં જતાં પહેલા માતા-પિતાએ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
માતા પિતા ખાસ રાખે આ બાબતોનું ધ્યાન
1.જે સ્વિમિંગ પુલમાં બાળકોને લઈ જતાં હોવ ત્યાં કયા પ્રકારનું હાઈજીન છે અને કેવી સુરક્ષા છે તેની બરાબર તપાસ કર્યા બાદ બાળકોને લઈ જાઓ.
અતિ ભીડ હોય ત્યાં જવાનું ટાળો
2. જો બાળક થોડું પણ માંદું હોય તો પૂલમાં ન લઈ જાઓ.
3. જો કોઈ બાળક વારંવાર માંદુ પડતું હોય, તેની ઇમ્યુનિટી ડેવલપ ન થઈ હોય, તેને સતત શરદી-ઉધરસ રહેતાં હોય, શ્વાસની કોઈ
તકલીફ રહેતી હોય તો ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ..
1. ઘણી વાર બાળકો પૂલમાં વધુ સમય રહે અને પૂલની બહાર પણ ખૂબ ભીનાં થઈને રહે તો તેમને સાઇનસની તકલીફ થઈ શકે છે. સતત શરદી-ખાંસી પણ રહે.
2. સ્વિમિંગ-પૂલમાં પાણીને જંતુમુક્ત કરવા માટે વાપરવામાં આવતું ક્લોરીન બાળકની નાજુક ત્વચા પર પણ અસર કરી શકે છે. ચાંઠાં, ખંજવાળ, ઇન્ફેક્શન કે સનબર્ન જેવા ત્વચા સંબંધિત પ્રૉબ્લેમ્સ ઊભા થઈ શકે છે. આ માટે સારી સનસ્ક્રીન લગાવવી જરૂરી છે જે ફક્ત સૂર્યનાં કિરણોથી જ નહીં, બાળકને ક્લોરિનની અસરથી પણ બચાવે.
3. બાળકને પાણીજન્ય રોગોનું રિસ્ક વધી શકે. આવા રોગો એટલે ઝાડા-ઊલટી કે ટાઇફૉઇડ. મલિન કે દૂષિત પાણીને લીધે આવા રોગ થાય છે. જો પૂલનું હાઇજીન બરાબર ન હોય તો આવું થઈ શકે છે. ઘણી વાર જે બાળકને આવા રોગો હોય તે બાળક પૂલમાં આવે તો બીજા બધા બાળકોને પણ ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે.
4. કેમિકલયુક્ત પાણીને કારણે આંખ અને કાનનું ઇન્ફેક્શન પણ ખૂબ જ સામાન્ય છે, જેનાથી બચવા સ્વિમિંગ ગ્લાસિસ પહેરવા અને કાનને વ્યવસ્થિત સાફ રાખવા જરૂરી છે.
સ્વિમિંગ-પૂલ સાથે અમુક પ્રકારનાં રિસ્ક જોડાયેલાં છે એ વાત સાચી, પરંતુ એને લીધે બાળકોને આ ખુશીથી વંચિત રાખવાનું યોગ્ય ન ગણાય. સ્વિમિંગ-પૂલમાં અમુક પ્રકારનાં હેલ્થ-રિસ્ક જોડાયેલાં છે, પરંતુ એમ સમજીને ડરી જવાની જરૂર નથી. જરૂરી કાળજી લઈને બાળકોને ચોક્કસથી લઈ જઈ શકાય છે.