ગાંધીનગરઃ શહેરના સીમાડે આવેલા ઇન્દ્રોડા નેચર પાર્કને નેશનલ ઝુ ઓથોરિટી મુજબ ડેવલોપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે રૂપિયા 5 કરોડની ગ્રાન્ટની જોગવાઇ રાજ્ય સરકારે વર્ષ-2023-24ના બજેટમાં કરી છે. ઇન્દ્રોડા નેચર પાર્કમાં ડોગ ફેમીલીના પાંચ નવા પ્રાણીઓ લાવવામાં આવશે. ઉપરાંત રિંછ, ઝરખ, અને શિયાળ સહિતના પ્રાણીઓ લવાશે. જેથી મુલાકાતીઓમાં ઈન્દ્રોડા પાર્કનું આકર્ષણ વધી જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સાબરમતી નદીના કોતરમાં નેચરલ વાતાવરણમાં રાજ્યના ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા નેચર પાર્ક બનાવવામાં આવ્યું છે. ઇન્દ્રોડા નેચર પાર્ક નાના પ્રાણી સંગ્રહાલયમાં આવતું હોવાથી અન્ય પ્રાણીઓનો વસવાટ કરાયો નહતો. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ઇન્દ્રોડા નેચર પાર્કને નેશનલ ઝુ ઓથોરીટી મુજબ વિકસાવવાની શરૂઆત તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. જેને ભૂપેન્દ્ર પટેલની સરકારે પણ બરકરાર રાખી છે. અને વર્ષ-2023-24ના બજેટમાં રૂપિયા 5 કરોડની જોગવાઇ ઇન્દ્રોડા નેચર પાર્કને નેશનલ ઝુ ઓથોરીટી મુજબ વિકસાવવા માટે કરવામાં આવી છે. જેને પરિણામે ડોગ ફેમિલીના પાંચ પ્રાણીઓ લાવવામાં આવશે. તેના માટે જરૂરી પાંજરા બનાવવામાં આવશે. જોકે તેના માટે રાજ્ય સરકારમાંથી પ્રાથમિક અને વહિવટી મંજુરી મળ્યા બાદ કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ ઝુ ઓથોરીટીની ગાઇડ લાઇન મુજબ ડોગ ફેમિલીના પ્રાણીઓ લાવવામાં આવશે. જેમાં રીંછ, ઝરખ, શિયાળ, વરૂ, વાઇલ્ડ ડોગ લાવવામાં આવશે. જેના માટે આઉટ ડોર ઓપન મોડ પદ્ધતિથી પાંજરા બનાવવામાં આવશે. તેમાં ડોગ પ્રકારના પાંચ પ્રાણીઓ માટે 2.5 મીટરની હાઇટવાળી ઝાળી સાથેના પાંજરા બનાવવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઇન્દ્રોડા નેચર પાર્કમાં હાલમાં વાઘ, સિંહ, દિપડો, મગર, કાચબા, સાબર, કાળિયાર, ચિત્તલ, સફેદ કાળિયાર, ચિંકારા, સાપ, અજગર તેમજ વિવિધ પ્રકારના પક્ષીઓ રાખવામાં આવ્યા છે. હાલમાં દરરોજના અંદાજે 800 જેટલા મુલાકાતીઓ આવે છે. ઇન્દ્રોડા નેચર પાર્કમાં નવા પાંચ પ્રાણીઓ લાવવામાં આવશે. જેના માટે પાંજરા બનાવવામાં આવશે. પ્રાણીઓની સંખ્યા વધતા તેમના આરોગ્યની કાળજી રાખવા માટે હાલમાં એક વેટનરી તબીબ હોવાથી નવા વેટરનરી તબીબની પણ ભરતી કરવામાં આવશે. ઉપરાંત મુલાકાતીઓનો ધસારો વધારે રહેવાથી તેમના માટે પાર્કિંગ, વિઝીટીંગ લોબી, સામાન રાખવા માટે, ફિડિંગ પ્લેટફોર્મ, ફુડકોર્ટ, વિઝીટર ફેસેલીટી ડેવલોપમેન્ટ કરાશે.