અમદાવાદઃ કોરોનાના કપરા કાળે લોકોને ઘણુબધુ શીખવ્યું છે. જેમાં લોકોને યાગનું મહત્વ સમજાવા લાગ્યુ છે. કોરોના સામે લડવા આત્મ વિશ્વાસ પણ મજબુત હોવો જરૂરી છે. યોગ દ્વારા તે સિદ્ધ કરી શકાય છે. ભારતીય સંસ્કૃતિમાં યોગાનું મહત્વ પહેલાથી રહ્યું છે. યોગાના મહત્વ સમજીને વિશ્વ આખાએ તેને અપનાવ્યો છે અને એટલા માટે જ 21 જૂનના દિવસને વિશ્વ યોગા દિવસ તરીકે પણ ઊજવવામાં આવે છે. યોગ લોકોની ઈમ્યુનિટી વધારવા અને તંદુરસ્તી જાળવવા માટે પણ ખુબ જ અગત્યનો ફાળો આપે છે. ત્યારે હવે ફરી એકવાર લોકો કોરોના સંક્રમણથી બચવા માટે યોગા તરફ વળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ અને સુરત સહિત મહાનગરોમાં પણ હવે યોગા ક્લાસીસ માટે લોકોની મેમ્બરશિપ વધી રહી છે. જિમ કરતા પણ હવે લોકો યોગાના વિકલ્પને વધારે પસંદ કરી રહ્યા છે. યોગા ટ્રેનરનું કહેવું છે કે યોગા ફક્ત શારીરિક ફિટનેસ જ નથી આપતું પણ માનસિક શાંતિ પણ આપે છે. આ દરેક વર્ગના ઉંમરના લોકો માટે ફાયદાકારક રહે છે. બીજી તરફ યોગા ક્લાસ જોઈન કરનારા લોકોનું કહેવું છે કે હાલના સમયમાં ઈમ્યુનિટી જાળવી રાખવું ખુબ જ જરૂરી છે. યોગામાં ઘણા એવા આસનો છે જે તમને શારીરિક રીતે મજબૂત બનાવે છે અને આંતરિક રીતે પણ તમને શક્તિ આપે છે. ફેફસાને મજબૂત બનાવવાની સાથે નેગેટિવિટી થી દૂર રહેવામાં પણ યોગા મદદ કરે છે અને એટલા માટે તેઓ યોગા ક્લાસ જોઈન કરવાનું પસંદ કરે છે.
યોગાના એક ટ્રેનરે જણાવ્યું હતું કે, પ્રાણાયામ, ધ્યાન, સૂર્યનમસ્કાર તેમજ અલગ અલગ આસનોથી આપણે ફક્ત કોરોના જ નહીં બીજા ઘણા રોગોથી દૂર રહી શકીએ છે. આ વર્ષે યોજાયેલા યોગા દિવસની થીમ પણ યોગા ફોર વેલનેસ હતી. કોરોના સામેની લડાઈમાં યોગ આશાનું કિરણ સમાન છે. જેથી આજે યુવાઓમાં યોગાનું મહત્વ પણ અનેકગણું વધી ગયું છે.