Site icon Revoi.in

રાહુલ ગાંધીની યાત્રાના ગુજરાત પ્રવેશ પહેલા કોંગ્રેસના 3 નેતાઓના કેસરિયા, મોઢવાડિયા, અંબરીશ ડેર, કંડોરિયા ભાજપમાં થયા સામેલ

Social Share

ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2024ને આડે હવે થોડાક દિવસો બાકી છે અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે, તેના પહેલા કોંગ્રેસને મોટા આંચકા લાગ્યા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને દ્વારકાથી કોંગ્રેસના નેતા મુળુ કંડોરિયા કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના ત્રણેય પૂર્વ નેતાઓનું ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું છે.

લોકસભાની ચૂંટણી 2024ને લઈને ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની 15 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. હવે 11 ઉમેદવારો જાહેર થવાના બાકી છે. ત્યારે કોંગ્રેસની સ્થિતિ દયનીય બની રહી છે. કોંગ્રેસના ઉમેદવારો નક્કી થવાની પ્રક્રિયા અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજ્યમાં પ્રવેશે તેના પહેલા મોટા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાંથી સી. જે. ચાવડા, મધ્ય ગુજરાતમાંથી ધવલ પટેલના રાજીનામા બાદ હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પાર્ટી છોડવાથી વિપક્ષની હાલત દયનીય બની ચુકી છે.

તો થોડા દિવસ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા પોતાના પુત્ર અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે સત્તાધારી ભાજપમાં જોડાય ગયા હતા.

ભાજપમાં સામેલ થયા બાદ અર્જૂન મોઢવાડિયા વિધાનસભાની પેટાચૂંટણી લડવાના છે. મોઢવાડિયા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે અને 2 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ ત્રીજી ટર્મમાં કોંગ્રેસની ટિકિટ પર 2022માં જીત્યા હતા.

આ પહેલા વીજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. 2019માં ચાવડા અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડયા હતા. તેમને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિકટવર્તી માનવામાં આવે છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ પાર્ટી છોડી હતી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે 17 બેઠકો પર જીત મેળવી હતી. પરંતુ હવે ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ ગુજરાતમાં પાર્ટીના માત્ર 14 ધારાસભ્યો બાકી છે.

મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસને ઘણાં આંચકા લાગી ચુક્યા છે, કારણ કે પાર્ટીના ઘણાં દિગ્ગજ નેતાઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાય ચુક્યા છે. તેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બસવરાજ પાટિલ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ જેવા નામ સામેલ છે. તેના સિવાય આસામ કોંગ્રેસના સૌથી વરિષ્ઠ અને મુખ્ય નેતાઓમાંથી એક રાણા ગોસ્વામીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તો બંગાળમાં પણ કોંગ્રેસને મોટો આંચકો લાગી ચુક્યો છે, કારણ કે બંગાળમાં દીદીના વિરોધમાં માથું મુંડાવનારા કૌસ્તવ બાગચીએ લોકસભા ચૂંટણીથી પહેલા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને ત્રણ પૃષ્ઠોનું રાજીનામું મોકલ્યું હતું. તેમાં તમણે પાર્ટી પર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે પાર્ટીમાં યોગ્ય સમ્માન મળ્યું નથી. તેમણે ટીએમસીની સાથે ગઠબંધન કરવાનો પણ વિરોધ કર્યો છે.