ભૂજઃ ભારતને આ વર્ષે G-20 સમીટનું યજમાન પદ પ્રાપ્ત થયું છે. અને આગામી 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન ધોરડો સફેદ રણ ખાતે પ્રવાસન વિષય અંતર્ગત G-20ની શીખર સમિટ યોજાવા જઈ રહી છે. સમિટમાં ભાગ લેવા માટે વિદેશથી મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. અને વિદેશી મહેમાનોને ઘોળાવીરાની મુલાકાતે લઈ જવાશે. તે પૂર્વે વૈશ્વિક વિરાસત ધોળાવીરામાં લાઈટ ડેકોરેશન કરવામાં આવતા આ સ્થળ ‘વૈશ્વિક સુંદરી’ની જેમ ઝળહળી ઉઠ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે આવેલા વૈશ્વિક વિરાસત હડપ્પીય સાઈટ ખાતે લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. જી-20 નું અધ્યક્ષ પદ ભારતને પ્રાપ્ત થયું તે અંતર્ગત દેશભરના 200 જેટલી વૈશ્વિક વિરાસતોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. જેથી ધોળાવીરાને લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આગામી ફેબ્રુઆરીમાં સફેદ રણ ખાતે સમીટ યોજાવાની છે. જેની સમીક્ષા માટે આવેલી કેન્દ્રીય સચીવોની ટીમોએ પણ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ધોળાવીરા ખાતે જવલ્લે જ જોવા મળતો આ રસ્તો લાઈટ ડેકોરેશનના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓ માટે પણ સુખદ આશ્ચર્ય ઉત્પન્ન કરી રહ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છના ઘોરડો ખાતે પણ છેલ્લા ઘણા દિવસથી તેયારીઓ ચાલી રહી છે. ઘોરડા જતાં તમામ રોડની મરામત કરીને નવા બનાવવામાં આવી રહ્યા છે. તેમજ વિદેશી મહાનુભાવોને રહેવા માટે હાલ જે હૈયાત ટેન્ટ છે, તેને આધુનિક ઓપ આપીને ફાઈવસ્ટાર જેવા બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રિય ટીમે ઘોરડોની મુલાકાત લીધી હતી. સલામતી સહિત તમામ પ્રશ્નોની ચર્ચા કરી હતી. ત્યારબાદ કેન્દ્રિય ટીમે ધોળાવીરાની પણ મુલાકાત લીધી હતી. વિદેશી મહાનુભાવોને ધોળાવીરાની સહેલગાહે લઈ જવામાં આવશે. જેથી ઘોળાવીરાને પણ નવોઢાની જેમ શણગારવામાં આવ્યુ છે.