બીજા તબક્કાની ચૂંટણીના પડઘમ શાંત પડે તે પહેલા રાજકીય નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કની 93 બેઠકો માટે આજે પ્રચારનો અંતિમ દિવસ હતો. આજે સાંજના પાંચ વાગ્યાથી રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતા. હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. બીજા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઝંઝાવાતી રોડ શો કર્યો હતો. ચેનપુરથી ઓગણજ ગામ સુધી 12 કિલીમીટર સુધીના રોડ શો યોજાયો હતો. ઉપરાંત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના રોડ શો અને જનસભા યોજાઈ હતી. ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ ધોળકા અને ખેડામાં પ્રચાર કર્યો હતો. જ્યારે પરશોત્તમ રૂપાલાએ બનાસકાંઠા અને છોટાઉદેપુરમાં સભા સંબોધી હતી.તેમજ સ્મૃતિ ઈરાનીની અરવલ્લી અને પાટણમાં રોડ શો કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM સહિતના પક્ષોએ પણ ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલા મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતુ.
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હતો. અને સાંજના પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત પડી ગયા હતા. પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા ઠેર ઠેર રેલીઓ અને સભાઓનું આયોજન કર્યું હતું. જેમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ત્રણ સભાઓને સંબોધી હતી. અમદાવાદ જિલ્લામાં ધોળકા, ખેડા જિલ્લામાં ચકલાસી તો આણંદ જિલ્લામાં ખંભાત ખાતે જનસભાનું આયોજન કરાયું છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા જુદાં જુદાં રાજ્યના સીએમ, કેન્દ્રીય મંત્રીઓ તેમજ વરિષ્ઠ નેતાઓના માધ્યમથી મતદારો સુધી પહોંચી ભાજપના ઉમેદવારોને જીતાડવા પ્રયાસ કર્યો હતો. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજયો ભવ્ય રોડ શો યોજ્યો હતો. જ્યારે વડોદરાની સયાજીગંજ બેઠક પરના કેયુર રોકડિયા અને કોંગ્રેસ ઉમેદવારના ઉમેદવાર અમીબેન રાવતે પણ રોડ શો યોજ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચેનપુરમાં બુટ ભવાની મંદિરે દર્શન કરી રોડ શોની શરૂઆત કરી હતી. ચેનપુરથી જગતપુર, વંદેમાતરમ, ચાંદલોડિયા, ગોતા અને ઓગણજ સહિતના વિસ્તારમાં રોડ શોનું આયોજન કરાયું હતુ. અમરાઇવાડીના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા રોડ શોનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.