અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષિત પાણીને કારણે રોગચાળો વધી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં તો ઘણા સમયથી પ્રદૂષિત પાણીનું વિતરણ કરાતું હોવાની ફરિયાદો ઊઠી છે. જમીનમાં ધરબાયેલી વર્ષો જુની પાણીની લાઈનો તૂટી ગઈ છે. જેથી ગટરનું પાણી પણ મિશ્રિત થતું હોવાની દહેશત છે. શહેરમાં વધતા જતા રોગચાળા અને પ્રદૂષિત પાણીને લઈ સોમવારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિપક્ષ કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક રૂપે ટાઈફોડ અને ઝાડા-ઊલટી વગેરેના દર્દી બતાવી અને અમદાવાદ શહેર સ્માર્ટ સિટી નહીં પરંતુ બીમાર સિટી બની ગયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
એએમસીના કોંગ્રેસ વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે, શહેરના જમાલપુર, ખાડિયા દાણીલીમડા, બહેરામપુરા, રાયપુર, વટવા, લાંભા સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત પાણીના કારણે હજારો ટાઈફોઇડ, ઝાડા-ઊલટીના કેસો વધ્યા છે. એએમસીના ભાજપના સત્તાધીશો અને વહીવટી તંત્રને પ્રજા બીમાર પડી રહી હોવા અંગે કોઈપણ પ્રકારની ચિંતા ન હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ, છેલ્લા કેટલાય સમયથી શહેર બીમાર સિટી બની ગયું છે. દિન-પ્રતિદિન રોગચાળામાં વધારો થઈ રહ્યો છે.
તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શહેરની પ્રજાને 24 કલાક પાણી આપવાની વાતો કરતી મ્યુનિસિપલ કોર્પોરેશન પાંચ મિનિટ પણ શુદ્ધ પાણી આપી શકતી નથી. પ્રદૂષિત પાણીને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ દરેક જગ્યાએ મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. જેથી વિપક્ષ કોંગ્રેસ દ્વારા સત્તાધિશોને ઢંઢોળવા માટે સામાન્ય સભા પહેલા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મ્યુનિના સત્તાધિશો રોગચાળો રોકવામાં નિષ્ફળ ગયા છે,