Site icon Revoi.in

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે રૂ. 24 હજાર કરોડથી વધારેના 20 MOU

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2022ના જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન સમિટ પહેલા જ સરકારે રૂ. 24 હજાર કરોડથી વધારેના 20 એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં છે. નવા એમઓયુના કારણે આગામી દિવસોમાં અંદાજે 40 હજાર જેટલી નવી રોજગારીની તકો ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં મૂડી રોકાણ વધે તે માટે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજનની શરૂઆત કરવામાં આવી હતી. દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2022માં વણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉદ્યોગકારો અને મોટા રોકાણકારો વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં કરોડોના રોકાણને લઈને MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સીપાલ સેક્રેટરી કૈલાસનાથન, ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજકુમાર અને ઉદ્યોગ-ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકારે કરેલા MOUમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા(SIR)ના બે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ધોલેરા SIR પ્રોજેક્ટથી પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના અંતર્ગત આગામી વર્ષોમાં અનેક મેગા પ્રોજેક્ટનો પાયો નખાશે. ઉત્પાદન, રસાયણ, એગ્રોકેમિકલ્સ,  ટેક્સટાઈલ, દવા ઉદ્યોગ અને કૃષિ સાધનો બનાવતી કંપનીઓ સાથે નવા MOU થયા છે. આગામી વર્ષે યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કરોડોના એમઓયુ થવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા સમિટને લઈને સરકાર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.